ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આગામી તા.26મીથી ત્રિદિવસીય પ્રવેશોત્સવ યોજાશે. પ્રવેશોત્સવ દરમિયાન શાળાના બાળકોને લોક ભાગીદારીથી તિથિ ભોજન મળી રહે તે માટે આયોજન કરવા પી એમ પોષણ યોજનાના કમિશનરે આદેશ કર્યો છે. જુદા જુદા તહેવારો, જન્મ દિવસ તથા રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે ગામના શ્રેષ્ઠીઓ અને દાતાઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને તિથી ભોજન આપવામાં આવે છે. તેજ રીતે સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્થાનિક પદાધિકારીઓ, હોદ્દેદારો, ગામના આગેવાનો, શ્રેષ્ઠીઓ, નામાંકિત ડોક્ટર્સ, વકિલ, સ્થાનિક ઉદ્યોગપતિઓ, વેપારીઓ, સંસ્થાઓ તેમજ ટ્રસ્ટીઓના મારફતે આયોજન કરવાનો પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે.
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. ત્યારે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન ત્રણેય દિવસ મુખ્યમંત્રી, મંત્રીઓ, પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓની શાળાઓની મુલાકાતે આવીને ભૂલકાંઓને શાળામાં પ્રવેશ કરાવશે. ત્યારે શાળાના વિદ્યાર્થીઓને લોકભાગીદારીથી તિથી ભોજન મળી રહે તેવું આયોજન કરવા પીએમ પોષણ યોજનના કમિશનરે આદેશ કર્યો છે. સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોષણયુક્ત આહાર આપવા માટે પીએમ પોષણ યોજના અંતર્ગત ભોજન આપવામાં આવે છે. વધુમાં બાળકોને બપોરે નાસ્તો પણ આપવામાં આવે છે. જોકે હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખીને પી.એમ.પોષણ યોજના અંતર્ગત અનાજના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે પીએમ પોષણ યોજનાની અમલવારી કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે શાળાના બાળકોને પોષ્ટીક ભોજન આપવામાં આવે છે. તેવો સંદેશો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન શાળાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી, મંત્રીઓ, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને મળે તે માટે તિથી ભોજનનું આયોજન કરવા પીએમ પોષણ યોજના વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
રાજ્યના તમામ જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી, નાયબ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આદેશ કર્યો છે. જોકે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ત્રણ દિવસ ચાલતો હોવાથી ત્રણેય દિવસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભોજન મળી રહે તે માટે લોકભાગીદારીથી તિથી ભોજનનું આયોજન કરવાનો પણ આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે જુદા જુદા તહેવારો, જન્મ દિવસ તથા રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે ગામના શ્રેષ્ઠીઓ અને દાતાઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને તિથી ભોજન આપવામાં આવે છે. (File photo)