Site icon Revoi.in

ગુજરાતમાં આગામી મે મહિનામાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીથી વધવાની શક્યતા નથી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના છેલ્લા બે મહિના દરમિયાન વાતાવરણમાં અનેકવાર પલટો આવ્યો હતો. હવે ભર ઉનાળે ગઈકાલે મહેસાણા અને જુનાગઢમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. એપ્રિલ મહિનો પુરો થવાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. ત્યારે તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોચી ગયો છે. જોકે મે મહિનામાં પણ મહદઅંશે તાપમાનનો પારો 43 ડિગ્રીથી વધે એવી શક્યતા નથી. દરમિયાન મે મહિના દરમિયાન પણ વાતાવરણમાં પલટાની શક્યતા છે,

ગુજરાતમાં અનેક વખતે મે મહિનામાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થઈ ચૂક્યો છે, પરંતુ આ વખતે આવું થવાની શક્યતા નહિવત્ છે. આવું અનુમાન હવામાન નિષ્ણાતોએ કર્યું છે. તેમના મતે 27 એપ્રિલથી ગુજરાત સહિત દેશના અનેક સ્થળ પર હવામાન પલટાવવાની સાથે માવઠું પડવાની સંભાવના છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં મે મહિનો કાઢવો ખૂબ જ કપરો હોય છે. એટલે 40થી વધુ તાપમાન એ અમદાવાદ માટે કોઈ નવી વાત નથી. જોકે, આ વખતે અમદાવાદ સહિત રાજ્યભરમાં મે મહિનામાં આ વખતે આગ વરસાવતી ગરમી પડવાની સંભાવના ઓછી છે.

હવામાન નિષ્ણાતોએ આ અંગે જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરથી દેશના અનેક સ્થળ પર વાદળછાયું વાતાવરણ થયું હતું. સાથે જ વરસાદ પણ વરસ્યો હતો. રાજ્યમાં હવે 10 મે સુધી હિટ વેવની સંભાવના નહિવત્ છે. બીજી તરફ દેશના મોટા ભાગના સ્થળો પર મે મહિનાની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે અનેક જગ્યાએ વરસાદ પડવાની પણ સંભાવના છે. ગુજરાતમાં 15થી 31 મે સુધી સરેરાશ મહત્તમ તાપમાન સામાન્યથી ઓછું જ રહે તેવું હવામાન નિષ્ણાત માની રહ્યા છે.  આ તરફ સતત બદલાતા વાતાવરણના કારણે લોકો તો હેરાન થઈ જ રહ્યા છે, પરંતુ સૌથી વધુ ચિંતામાં ખેડૂતો મુકાઈ ગયા છે. કારણ કે, આ પહેલાં અનેક વખત રાજ્યમાં શિયાળા અને ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ વરસી ચૂક્યો છે. તે વખતે પણ ખેડૂતોએ મોટા પાયે નુકસાન વેઠવું પડ્યું હતું. ગરમી તો ઠીક પણ કમોસમી વરસાદ ખેડૂતોની મહેનત પર પાણી જરૂર ફેરવી નાખશે તેવું લાગી રહ્યું છે.