Site icon Revoi.in

ગુજરાતમાં પાસપોર્ટ માટે 45 દિવસે મળતી એપોઈન્ટમેન્ટ, વેઈટિંગલિસ્ટમાં થયો વધારો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભૂતકાળમાં પાસપોર્ટ માટે લાંબી લાઈનો લાગતી હતી. અને પાસપોર્ટ મેળવવા માટે લાંબી પ્રતિક્ષા કરવી પડતી હતી. જોકે ત્યારબાદ ખાનગી એજન્સીઓને કામ સોંપાતા  અરજદારોને રાહત થઈ હતી. ઓનલાઈન અરજી કરીને જરૂરી ફી ભર્યા બાદ તરત જ એપોઈન્ટમેન્ટ મળી જતી હતી. અને ગણતરીના દિવસમાં જ અરજદારને પાસપોર્ટ મળી જતો હતો. હવે પહેલા જેવી જ સ્થિતિનું નિર્માણ થયું છે. કહેવાય છે કે, ઓનલાઈન જરૂરી ફી સાથે અરજી કર્યા બાહ હવે 45 દિવસે એપોઈન્ટમેન્ટ મળે છે. ત્યારબાદ પાસપોર્ટ મેળવવા માટે પણ રાહ જોવી પડે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલમાં નવા કે રિન્યૂ પાસપોર્ટ માટે નોર્મલ કે તત્કાલ એપોઇન્ટમેન્ટ માટે સવા મહિનાનું લાંબુ વેઈટિંગ છે. વેઈટિંગ પિરિયડ ઘટાડવા પાસપોર્ટ કચેરી છેલ્લા કેટલાક વખતથી શનિવારે ઓપન રાખી પાસપોર્ટ મેળાનું આયોજન કરી રહી છે. પહેલા પાસપોર્ટ માટે અરજદારને 30 દિવસે એપોઈન્ટમેન્ટ મળતી હતી. હવે 45 દિવસે મળે છે. જેથી ઇમરજન્સીમાં કે સ્ટુન્ડ વિઝા પર વિદેશ જતાં વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદમાં મીઠાખળી અને વિજયચાર રસ્તા પર આવેલા બંને પાસપોર્ટ સેવા કેન્દ્રમાં પ્રતિદિન 1200 એપ્લિકેશન સબમિટ થાય છે. એપ્લિકેશન નોર્મલમાં સબમિટ થયાના 15 દિવસમાં અરજદારને પાસપોર્ટ મળી જાય છે પણ છેલ્લા કેટલાક વખતથી શનિવારે અમદાવાદ રિજનલ પાસપોર્ટ કચેરી ઓપન રાખી 300 તત્કાલ અને 300 નોર્મલ એમ કુલ 600 અરજદારોને બોલાવાય છે, જેથી વેઈટિંગ પિરિયડ ઓછો થાય તેવા પ્રયાસો શરૂ કરાયા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, તત્કાલ માટે જે અરજદારોએ એપોઇન્ટમેન્ટ લીધી છે તેના ફોટો આઇડી ડોક્યુમેન્ટ સરખા હોવા જોઇએ, પણ હાલમાં એવી ફરિયાદો સામે આવી રહી છે કે આઇડીમાં થોડો પણ ફેરફાર હોય તો તેમનું નોર્મલમાં સબમિશન કરવાના બદલે ડોક્યુમેન્ટ સુધારી કે નવેસરથી એપોઇન્ટમેન્ટ લેવાનો આગ્રહ રખાતો હોવાથી વેઈટિંગ વધી રહ્યું છે.