ગુજરાતમાં ખાધ્યતેલના ભાવ વધારા મુદ્દે વિધાનસભામાં થયો હંગામો
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ખાદ્યતેલના ભાવમાં થયેલો મુદ્દે વિધાનસભા ગૃહમાં ગુંજ્યો હતો. તેમજ તેલના ભાવમાં થયેલો વધારા મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામ-સામે આવી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં હંગામો મચાવ્યો હતો. તેમજ મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે પણ કોંગ્રેસે સુત્રોચ્ચાર પણ કર્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે સરકાર તેલીયા રાજાઓ સામે કાર્યવાહી કરતી નથી. એક જ વર્ષમાં કપાસિયા તેલ રૂ.249 મોંઘું થયું છે. એક વર્ષમાં સિંગતેલના ભાવમાં રૂ.616નો વધારો થયો છે. કોંગ્રેસે તેલિયા રાજાઓનો ઉલ્લેખ કરતાં ભાજપના ધારાસભ્યો ઉભા થયા હતા. તેમજ આ શબ્દ પાછો ખેંચવા માટે માગ કરી હતી. જેની સામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કોંગ્રેસ પર આકરાં પ્રહાર કર્યાં હતા. નીતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસને દુઃખે છે પેટ અને કૂટે છે માથું. આમ વિધાનસભામાં તેલના મુદ્દે હંગામો થયો હતો.
વિધાનસભામાં અન્ય એક લેખિત પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યુ છે કે, છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્યના 33 જિલ્લામાંથી 18 જિલ્લામાં રમતગમતના મેદાન માટે સરકારે કોઈ જ રકમ ફાળવી નથી. ગુજરાતમાં રમશે ગુજરાત જીતશે ગુજરાત નામે રમતગમતની સ્પર્ધા યોજવામાં આવે છે. પરંતુ વર્ષ 2019 અને 2020 દરમિયાન સરકારે રમતગમતના મેદાન માટે નાંણા ફાળવ્યા નથી.