Site icon Revoi.in

ગુજરાતમાં આજે ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટ’ પરીક્ષા 3 સેશનમાં લેવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઇજનેરી-ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા આજે રાજ્યમાં અમદાવાદ સહિત વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવાશે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. આજે સવારના 10 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી અલગ-અલગ ત્રણ સેશનમાં ગુજકેટ પરીક્ષા યોજાશે. જેમાં વિદ્યાર્થીએ પોતાની હોલ ટિકિટની સાથે એક આઇડી કાર્ડ પણ સાથે રાખવાનું રહેશે. ધોરણ 12 સાયન્સની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં ધોરણ 12 સાયન્સ અને ગુજકેટના મેરીટને આધારે પ્રવેશ આપવામાં આવે છે. બોર્ડ જેટલી જ ગુજકેટની પરીક્ષા પણ મહત્વની હોવાથી વિદ્યાર્થીઓએ સારી તૈયારીઓ કરી છે.

ધોરણ 12 બાદ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી તેમજ ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે વર્ષ 2017થી ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. આ વર્ષે પણ બોર્ડની પરીક્ષા પૂર્ણ થતાં આજે ગુજકેટની પરીક્ષા યોજાશે. સંપૂર્ણ પરીક્ષા OMR આધારે જ રહેશે. સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી ગુજકેટની પરીક્ષા યોજાશે. 10થી 12 વાગ્યા સુધી ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનની પરીક્ષા યોજાશે. 1થી 2 વાગ્યા સુધી જીવ વિજ્ઞાનની પરીક્ષા યોજાશે અને 3થી 4 વાગ્યા સુધી ગણિતની પરીક્ષા યોજાશે. બોર્ડની પરીક્ષાની જેમ જ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ સાથે પોતાનું એક આઇડી કાર્ડ પણ સાથે રાખવાનું રહેશે. પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં અને સુચારૂ રૂપથી લેવાય તે માટે બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.

ગુજકેટની આ પરીક્ષાના પેપરો તમામ પરીક્ષા કેન્દ્રો પર પહોંચતા કરી દેવાયા છે. પરીક્ષા કેન્દ્રો બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.  આ પરીક્ષા દરમિયાન ચોરી અને ગેરરીતિની કોઈ ઘટના ન ઘટે તે માટે ખાસ પ્રબંધો કરવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રો વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ સેન્ટરો પર પણ જાહેરનામુ પ્રસિધ્ધ કરી પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. (File photo)