ગાંધીનગરઃ રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં અનેક જગ્યાઓ ખાલી હોવા છતાં આઉટસોર્સથી ભરતી કરવામાં આવે છે. આ મુદ્દો કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે સામાન્ય ગરમાગરમી થઈ હતી.ગુજરાત વિધાનસભાની કાર્યવાહી દરમિયાન પ્રશ્નોત્તરીકાળમાં ગુજરાત પ્રવાસન નિગમના મંજુર મહેકમ અંગેનો પ્રશ્ન વિપક્ષ દ્વારા ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી અલગ-અલગ સંવર્ગની મંજૂર થયેલી 201 જગ્યાઓ પૈકી માત્ર 154 જગ્યાઓ હજુ પણ કેમ ભરવાની બાકી રહી છે. કોંગ્રેસે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, આખું પ્રવાસન નિગમ આઉટ સોર્સિંગના ભરોસે છે. જેમાં પટાવાળા કાયમી અને અધિકારીઓ આઉટસોર્સિંગથી છુટક પગારથી નોકરી કરી રહ્યાં છે. 40 જગ્યાઓ કાયમી ભરાયેલ છે. તે વર્ગ-4ના કર્મચારીઓ, ડ્રાઈવર અને કૂક છે.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીના કારણે આ કામગીરી થઇ શકી નથી એટલું જ નહીં અમારા વિભાગ દ્વારા હાલ ભરતી પ્રક્રિયાના નિયમોની કામગીરી પ્રક્રિયા હેઠળ છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગ સાથે પરામર્શ પણ જરૂરી છે. આ તબક્કે કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે પ્રવાસન મંત્રીને સીધો પ્રશ્ન કર્યો હતો કે તમારા ઉત્તરમાં તમે કોરોનાનું કારણ આગળ ધરી લો છો તે વાત સાથે હું સહમત છું પરંતુ વર્ષ 2017 થી 2020 વચ્ચે ખાલી પડેલી જગ્યાઓ કયા કારણોસર ભરવામાં આવી નથી? તેવો મુદ્દો ઉપસ્થિત કરતા પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ સ્પષ્ટતા કરી હતી કે હાલ આ મામલે મારી પાસે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી.
કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈએ સવાલ કર્યો હતો કે, છેલ્લા બે વર્ષમાં પ્રવાસન નિગમે જાહેરાતો પાછળ કેટલો ખર્ચ કર્યો, જેના જવાબમા રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, 2020માં પ્રવાસન નિગમે જાહેરાતો પાછળ 23.99 કરોડ જ્યારે 2021માં 21.20 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. 2020 અને 2021માં સવાયો ગુજરાતી કેમ્પેઈન માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા 1.34 કરોડ રૂપિયા જાહેરાત પાછળ વિવિધ એજન્સીને ચૂકવવામાં આવ્યાં હતા.
રાજ્યના આઠ યાત્રાધામ ખાતે સફાઈના કોન્ટ્રાક્ટમાં સરકારે છેલ્લા 2 વર્ષમાં કુલ 27 કરોડ 18 લાખ 68 હજાર 115 રૂપિયાનું ચુકવણું કર્યું છે. વર્ષ 2020માં 13 કરોડ 87 લાખ 46 હજાર 727 અને 2021માં 13 કરોડ 31 લાખ 21 હજાર 388 રૂપિયા ચૂકવવામાં આવ્યાં છે. અંબાજી અને પાલિતાણામાં બ્લેકલિસ્ટેડ એજન્સીને અનુક્રમે 9 અને 9.28ના ભાવે, સોમનાથમાં ન્યૂટેક જેટિંગ ઈક્વિપમેન્ટ ઈન્ડિયા પ્રા.લિને સૌથી વધુ રૂ 9.35ના ભાવે, શામળાજીમાં ચિંત હોસ્પિટાલિટીઝ સર્વિસીસને 9.33ના ભાવે, ડાકોરમાં ડી.બી એન્ટરપ્રાઈઝને 8.50ના ભાવે ચો.મી. દીઠ ચુકવણું થયું છે.