Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ટ્રાન્સક્રિપ્ટ, વેરિફિકેશન અને માર્કશીટ માટે ધક્કા ખાવા નહી પડે

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક મળી હતી જેમાં યુનિ.કેમ્પસથી લઈને વિવિધ સ્થળોએ જ્યાં 1000થી વધુ વિદ્યાર્થીઓની અવર-જવર હોય તેવા સ્થળોએ સીસીટીવી કેમેરા મુકવાનો ત્વરિત અમલ કરવો તેમજ પર્યાવરણને સંદર્ભે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત  ટ્રાન્સક્રિપ્ટ, વેરિફિકેશન,તથા  ડુપ્લિકેટ માર્કશીટની તમામ પ્રક્રિયા ડિજિટલાઈઝેશન કરવાનું નક્કી કર્યું છે. વિદ્યાર્થીઓને યુનિ.ના ધક્કા ખાવા ન પડે તેવું આયોજન કરવાનું પણ નક્કી કરાયું હતું.

રાજ્ય સરકારે જાહેર સ્થળોએ એક હજારથી વધુ લોકો એકત્ર થતા હોય અને અવરજવર હોય ત્યાં સીસીટીવી કેમેરા લગાડવા ફરજિયાત કર્યા છે. તેનો અમલ ગુજરાત યુનિવર્સિટીએ શરૂ કર્યો છે. આગામી 10 દિવસમાં આ મુદ્દે અમલ કરવા ગુજરાત યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પર્યાવરણને હિતને લગતા પણ નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં એક હજારથી વધુ લોકો એકત્ર થતાં હોય અને અવરજવર હોય ત્યાં કેમેરા અને વીડિયો વોલ સર્વેક્ષણ કરવાનું થાય છે. જે અંગે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે, આગામી 10 દિવસમાં આને લાગતી તમામ અનુસંગિક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. યુનિવર્સિટીની ટેક્નિકલ કમિટી આઇટી કમિટીમાંથી સરકારી ધોરણે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.આ ઉપરાંત હવે યુનિવર્સિટી સંલગ્ન 350 કોલેજોએ એનવાયર્મેન્ટલ ઓડિટ આપવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાં વોટર કન્ઝર્વેશન સ્ટ્રેટેજી, વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ જેટલી પણ એનર્જીનો વપરાય છે, તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તેની એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ બનાવી જે તે કોલેજને આપવામાં આવશે. યુનિવર્સિટી એફિલેટેડ દરેક કોલેજો નિયમો નહીં પાળે તો જ કોલેજ સામે કડક કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

પ્રો. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે, જ્યારે યુનિવર્સિટી એફિલેટેડ કોલેજો એફિલેશન રિન્યુ કરાવવા આવશે, ત્યારે તેઓ આ નિયમનું પાલન કરે તેનો આગ્રહ રાખવામાં આવશે. સસ્ટેનેબલ એનર્જી અને આવનારા પડકારો સામે ટકી રહેવા આ જરૂરી છે. આ ઉપરાંત વિદ્યાર્થી જ્યારે ટ્રાન્સક્રિપ્ટ માટે, વેરિફિકેશન માટે અને ડુપ્લિકેટ માર્કશીટ માટે એપ્લાય કરતો હોય ત્યારે તેનો સમયગાળો ખૂબ મોટો હોય છે અને વિદ્યાર્થીઓએ જાતે અહીં આવી આ સર્ટી લેવા પડે છે. આ ન કરવું પડે અને વિદ્યાર્થીને સરળતા પડે તે માટે સિન્ડિકેટે તમામ પ્રક્રિયા ડિજિટલાઈઝેશન કરવાનું નક્કી કર્યું છે. અગાઉ આ મામલે કુલપતિ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો અને જેને સિન્ડિકેટની બેઠકમાં લીલી ઝંડી આપવામાં આવી હતી.