Site icon Revoi.in

ગુજરાતમાં કોરોના કાળમાં 14.7 લાખ મોબાઈલ ફોનના ગ્રાહકો વધવા સાથે ઈન્ટરનેટનો વપરાશ પણ વધ્યો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં મોબાઈલ ફોનના ગ્રાહકોમાં તો વધારો થયો હતો પણ નેટના વપરાશમાં પણ મોટો વધારો થયો હતો. કોરોનાની પરિસ્થિતિમાં ‘વર્ક ફ્રોમ હોમ’નું ચલણ વધતા અનેક લોકો ઈન્ટરનેટની ઉપલબ્ધતા માટે બ્રોડબેન્ડનો વિકલ્પ અપનાવી રહ્યાં છે. હાલની કોરોના મહામારીમાં શાળાઓ પણ બંધ છે તેથી ઓનલાઈન શિક્ષણ તેમજ કામકાજ માટે હવે ઘરે વાઈફાઈની સુવિધા મેળવવા માટે લોકોની માંગ વધી છે. પરંતુ બ્રોડબેન્ડની સુવિધા મેળવવા નેટવર્કની ઉપલબ્ધતાની સમસ્યાને પગલે માત્ર ઈન્ટરનેટનાં યુઝ માટે જ નવા કનેકશનો મેળવતાં લોકોની સંખ્યા વધી છે તેવું ટેલીકોમ કંપનીનાં સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં માર્ચ 2021 સુધીમાં આશરે 14.76 લાખ નવા ટેલીકોમ સબસ્ક્રાઈબર્સનો ઉમેરો થયો છે. ટ્રાઈ દ્વારા જાહેર કરાયેલાં આંકડાઓમાં જાણવા મળ્યું છે કે આ વર્ષે રાજયમાં 6.94 કરોડ મોબાઈલ સબસ્ક્રાઈબર્સ નવા ઉમેરાયા છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી મોબાઈલ સબસ્ક્રાઈબર્સમાં ઘટાડો થયેલો જોવા મળ્યો છે. જેનાં કારણે બાબતે વાત કરતા ટેલીકોમ સેકટરનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન એજયુકેશનને પગલે ઈન્ટરનેટ કનેકટીવીટી સતત જળવાય રહે તે ખૂબ જરૂરી છે. ઉપરાંત લોકો હવે મલ્ટીપલ કનેકશનનો વિકલ્પ અપનાવી રહ્યાં છે. જો કે, ગામડાઓમાં બ્રોડબેન્ડ સર્વિસનાં અભાવને પગલે હવે લોકો 4જી સ્પીડ મેળવવા નવા મોબાઈલ કનેકશનો મેળવી રહ્યાં છે જેથી ઈન્ટરનેટનો ઉપયોગ થઈ શકે. આ ક્ષેત્રમાં ટોચ પર સ્થાન મેળવતી રિલાયન્સની જીયો કંપનીએ આ વર્ષમાં આશરે 23.95 લાખ નવા સબસ્ક્રાઈબર્સ નોંધ્યા છે. જયારે ભારતી એરટેલે 11.2 લાખ નવા યુઝર્સ મેળવ્યા છે તો જીઓની માર્કેટ સ્થિતિ મજબૂત બનતાં વીઆઈએ પોતાનાં 18.18 લાખ સબસ્ક્રાઈબર્સ ગુમાવ્યા છે. ઉપરાંત બીએસએનએલ એ પણ 2.04 લાખ કનેકશનો ગુમાવ્યા છે. ટેલીકોમ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા નિષ્ણાંતે જણાવ્યું હતું કે, રિલાયન્સ જીયો અને ભારતી એરટેલે નેટવર્ક અપગ્રેડેશન માટે મોટું રોકાણ કર્યું છે જે પણ તેનાં સબસ્ક્રાઈબર્સ વધવાનું કારણ હોય શકે છે.