અમદાવાદઃ સુરેન્દ્રનગરના હળવદના કીડી સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં અગરિયા મીઠુ પકવવાની કામગીરી કરે છે. દરમિયાન નર્મદાનું પાણી અગર વિસ્તારમાં ફરી વળતા અગરિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ ત્રણ મહિનાની મહેનત બાદ અગર વિસ્તારમાં પાણી ફરી વળતા સીઝન નિષ્ફળ જવાની ભીતિ હોવાથી આ સમસ્યાનાં નિવારણ માટે સરકારને અનુરોધ કરાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રણ વિસ્તારમાં રસ્તા સમથળ બનાવી, બંધ,પાળા, ક્યારા તૈયાર કરી તેમાં દરિયાનું પાણી ભરી અગરિયા મીઠું પકવે છે. આ વર્ષે પણ હળવદ તાલુકાના રણકાંઠાનાં 15 કિલોમીટરથી વધુ વિસ્તારમાં નર્મદાના મીઠા પાણી અગરોમાં ફરી વળતાં પડ્યા પર પાટુ જેવી સ્થીતી સર્જાઈ છે. વિસ્તારમાં રોજગારી માટે એક માત્ર મીઠાના ઉદ્યોગનો આધાર હોવાથી સરકાર આ પ્રશ્નના કાયમી નિકાલ માટે બંધ પાળો બનાવે અને આ સમસ્યા દૂર કરે તેવી માગ કરાઈ છે. ત્રણ મહિનાની મહેનત બાદ અગર વિસ્તારમાં પાણી ફરી વળતા સીઝન નિષ્ફળ જવાની ભીતિ હોવાથી આ સમસ્યાનાં નિવારણ માટે સરકારને અનુરોધ કરાયો છે.