હિંમતનગરઃ ઉત્તર ગુજરાતમાં પણ આ વખતે કપાસનું મબલખ ઉત્પાદન થયુ છે. દિવાળી પહેલા અને ત્યારબાદ કપાસના સારાભાવ ખેડુતોને મળતા હતા.પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. તેના લીધે ખેડુતોમાં નારાજગી જાવા મળી રહી છે. સાબરકાંઠામાં ગત વર્ષે કપાસના 2000 હજાર રૂપિયા મળવાને લઈને ખેડૂતોએ 48 હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર કર્યું હતું અને કોટન માર્કેટમાં દિવાળી રૂ 1900 ભાવ મળ્યા પછી હાલમાં રૂ 200નો ઘટાડા થઇ ગયો છે.
માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ સાબરકાંઠામાં ગત વર્ષે કપાસનું વાવેતર કરનારા ખેડૂતોને રૂ 2000 હજારથી વધુ ભાવ મળ્યો હતો. જેને લઈને ખેડૂતોએ કપાસના વાવેતર તરફ વળ્યા હતા અને જિલ્લામાં 48 હજાર હેકટરમાં વાવેતર કર્યું હતું. દિવાળી પર કોટન માર્કેટમાં તૈયાર થયેલા કપાસને વેચવા આવતા ખેડૂતોને રૂ 1900નો ભાવ મળ્યો હતો. તો હાલમાં રૂ 1600ની આસપાસ ભાવ થયો છે, જેને લઈને રૂ 200 નો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. કપાસના વેપારીઓ પણ ખેડૂતોને કપાસના ભાવ આપી શકતા નથી. નિકાસ નીતિમાં સરકારે ડ્યુટીમાં વધારો હોવાને લીધે કપાસની ઘાસડીઓનો ભાવ વધુ હોવાથી નિકાસ થઇ શકતી નથી. જેને લઈને નિકાસ બંધ થઇ ગઈ છે અને કપાસનો ભરાવો થવાને કારણે હાલમાં ભાવ ઘટયા છે. હાલમાં રૂ. 67 હજારની આજુબાજુના ભાવે ગાંસડીની ખરીદી થઈ રહી છે. વિદેશમાં વાયદામાં ગાંસડીનો ભાવ રૂ. 57 હજાર ચાલી રહ્યો છે. જેને લઈને નિકાસમાં ગાંસડીએ રૂ.10 હજારનું નુકસાન જાય તેમ છે. વિદેશમાં નાણાંકીય સ્થિતિ બગડતાં કપાસની નિકાસ પણ પરવડે તેમ નથી. હાલમાં વધુ ભાવની રાહ ન જોઈને ખેડૂતો કપાસ વેચવા માટે આવી રહ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, હિંમતનગરના કોટન માર્કેટમાં દિવાળીથી કપાસની ખરીદી શરૂ થઇ હતી, ત્યારે દિવસના 150 થી વધુ ખેડૂતો આવતા હતા અને હાલમાં 40 થી 50 ખેડૂતો કપાસ વેચવા આવે છે. કોટન માર્કેટમાં સાબરકાંઠા ઉપરાંત અરવલ્લી જિલ્લામાંથી ખેડૂતો કપાસ વેચાણ કરવામાં માટે આવે છે. જોકે સાબરકાંઠામાંથી કપાસની આવક ઓછી છે, તો દિવાળીએ કપાસની ખરીદી રૂ 1900 થી શરૂઆત થઇ હતી. ત્યારે કપાસની આવક ઓછી હતી અને ભાવ વધુ હતો પરંતુ ધીમેધીમે ભાવ ઓછો થતા કપાસની આવક વધી હતી. બીજી તરફ સરકારની નિકાસની નીતિને લઈને કપાસની નિકાસ અટકી છે. જેને લઈને કપાસના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. બે મહિનામાં હિમતનગરના કોટન માર્કેટયાર્ડમાં 13 લાખ 92 હજાર 500 કિલોગ્રામ કપાસની આવક થઇ છે. સૌથી નીચો ભાવ રૂ 1351 નોધાયો હતો. તો ઉંચો ભાવ રૂ 1933 ભાવ ખેડૂતોને મળ્યો હતો. કપાસની નિકાસની નીતિમાં સરકાર સુધારો નહિ કરે તો અગામી દિવસમાં કપાસનો ભાવ તળિયે આવી જાય તેવી સંભાવના નકારી શકાતી નથી. (FILE PHOTO)