આવકવેરા વિભાગ એકશન મોડમાં, નોટિસનો જવાબ નહીં આપનારા કરદાતાઓ સામે થશે કાર્યવાહી
દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે દેશમાં હાલ આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની કામગીરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 3.75 કરોડથી વધારે કરદાતાઓએ રિટર્ન ફાઈલ કર્યું છે. બીજી તરફ આવકવેરાની વિભાગની નોટિસોને ગંભીરતાથી નહીં લેનારા કરદાતાઓ સામે હવે વિભાગે લાલઆંખ કરી છે. તેમજ તેમની સામે આકરી કાર્યવાહીની કામગીરી કરવામાં આવશે. ફેસલેસ એસેસમેન્ટ સીસ્ટમ લાગુ કરી દેવામાં આવી હોવાથી ટેકનોલોજી મારફત કરચોરોની તમામ માહિતી વિભાગ પાસે ઉપલબ્ધ હોવાથી દેશવ્યાપી કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
આવકવેરા ખાતાના સુત્રોના જણાવ્યા અનુસાર, એસએમએસ, ઈ-મેઈલ તથા ફીઝીકલી રીતે હજારો નોટીસો ફટકારવામાં આવી છે. જેનો અનેક કરદાતાઓએ જવાબ આપ્યો નથી. આવા કરદાતાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. પ્રથમ તબક્કે છ હજાર કરદાતાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. આ કરદાતાઓ વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી દેવામાં આવી જ છે. આ કરચોરો પાસેથી ટેકસ વસુલાત કરવા ઉપરાંત વધારાનો દંડ પણ ફટકારવામાં આવશે.
આ અભિયાનની સૌપ્રથમ શરૂઆત ગુજરાતના રાજકોટના કેસથી કરવામાં આવી છે. રાજકોટના આ કેસમાં કરદાતાએ પોતાની વાર્ષિક કમાણી પાંચ લાખથી પણ ઓછી દર્શાવી હતી. પરંતુ બેંક ખાતામાં 10 કરોડ જમા કરાવ્યા હતા અને તેમાંથી 7.50 કરોડ પાછા કાઢયા હતા. આવકવેરા વિભાગે તેને 6 નોટીસ ફટકારી હતી. ઉપરાંત દસ વખત એસએમએસ કરવામાં આવ્યા હતા. પરંતુ તેના તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. જેને પગલે આવકવેરા અધિકારીઓના કાફલાએ રૂબરૂ ત્રાટકીને કાર્યવહી કરી હતી.