Site icon Revoi.in

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 700 થી વધુ નવા કેસ નોંધાયા,7 લોકોના મોત

Social Share

દિલ્હી:ભારતમાં ફરી એકવાર કોરોનાએ જોર પકડ્યું છે. વર્ષ 2023ના અંતમાં હવે માત્ર થોડા જ કલાકો બાકી છે, પરંતુ દેશમાં કોરોના ધીમો પડી રહ્યો નથી. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 743 નવા કેસ નોંધાયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 743 નવા કેસ નોંધાયા છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 3,997 થઈ ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સત્તાવાર આંકડા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન સાત લોકોના મોત થયા છે. કોરોના વાયરસના કારણે કેરળમાં ત્રણ, કર્ણાટકમાં બે અને છત્તીસગઢ અને તમિલનાડુમાં એક-એક વ્યક્તિના મોત થયા છે.

દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 28 ડિસેમ્બર સુધીમાં નવા વેરિયન્ટ JN.1ના કુલ 145 કેસો સામે આવી ચુક્યા છે. બીજીતરફ કોરોના કેસો વધતા આરોગ્ય મંત્રાલય પણ સતર્ક થઈ ગયું છે અને લોકોને ભીડથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.

દેશમાં JN.1 સબ-વેરિયન્ટનો પ્રથમ કેસ ઓગસ્ટમાં સામે આવ્યો હતો. નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron)નો સબ-વેરિયન્ટ BA.2.86માંથી ઉદભવ્યો છે. 2022ની શરૂઆતમાં કોરોના કેસોમાં વધારો થવાનું મુખ્યકારણ BA.2.86 જ હતો. BA.2.86 વધુ ફેલાયો ન હતો, પરંતુ તેને નિષ્ણાંતોની ચિંતા વધારી દીધી હતી, કારણ કે, BA.2.86માં સ્પાઈક પ્રોટીન પર વધારાના પરિવર્તનો થયા હતા અને તેની જેમ JN.1ના સ્પાઈક પ્રોટીનમાં પણ એક વધારાનું પરિવર્તન થયું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, વિશ્વસ્તરે કેસોમાં વધારો થાય બાદ સામે આવ્યું છે કે, JN.1 ઓમિક્રોનું સબ-વેરિયન્ટ છે, જે મજબૂત ઈમ્યૂનિટી ધરાવતા લોકોને પણ સરળતાથી સંક્રમિત કરી શકે છે. યૂએસ સેન્ટર ફૉર ડિજીજ કંટ્રોલ (CDC)એ નવા વેરિયન્ટને ઝડપી ફેલાતો હોવાનો ખુલાસો કર્યો છે.

સીડીસીના જણાવ્યા મુજબ કોરોનાના નવા વેરિયન્ટ JN.1થી પીડિત દર્દીમાં તાવ, ઠંડી લાગવી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, થાક, માથું દુઃખવું, સ્નાયુમાં દુ:ખાવો, સ્વાદ અથવા ગંધ પારખવામાં સમસ્યા, ગળામાં ખરાશ, નાક વહેવું, ઉબકા, ઉલટી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે. જોકે કેટલાક કેસોમાં લક્ષણો દર્દીની ઈમ્યૂનિટી પર નિર્ભર છે.