અમદાવાદઃ શહેરમાં 20મી જુન અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી નગરની પરિક્રમાએ નિકળશે. ત્યારે રવિવારે સાંજથી નાની-મોટી 17 જેટલી પોળમાં રસોડા શરૂ થઈ ગયા છે. જેમાં શુદ્ધ ઘીના બુંદી અને મોહનથાળ, ફુલવડી સહિતની વાનગીઓ બનાવવાનો પ્રારંભ કરાયો છે. સેંકડો કાર્યકરો આસ્થાભેર આ રસોડામાં સેવા આપશે. જુદી-જુદી પોળમાં કરાતાં આયોજનોમાં લગભગ બે લાખ જેટલાં શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદ પીરસાવામાં આવશે.
ભગવાન જગન્નાથજી નગરયાત્રા પહેલા આખું પૂર્વ અમદાવાદ ભક્તિમાં જાણે કે તરબોળ બની ગયું છે. વર્ષો જૂની પ્રથા અનુસાર રથયાત્રામાં ભાગ લેતા શ્રદ્ધાળુઓ માટે જૂના શહેરના પોળ વિસ્તારમાં ભોજન પ્રસાદના આયોજનો કરાય છે. જેમાં 40,000 કિલો શુદ્ધ ઘીની બુંદી, 25,000 કિલો મોહનથાળ, 30,000 કિલો ફુલવડી, 30,000 કિલો પુરી, 50,000 કિલો શાકભાજી, 3,000 કિલો ખીચડીનો પોળમાં શ્રદ્ધાળુઓ પ્રસાદ લેશે. રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજી મોસાળ સરસપુરમાં મુકામે ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો હતો. શનિવારે સાંજે ભગવાનને 500 કિલોથી વધારે મગસની વાનગીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. 18 ક્લિોમીટરના રથયાત્રા માર્ગ પર વિવિધ સેવાભાવી સંસ્થાઓ, મંડળો અને સંગઠનો દ્વારા 450થી વધુ સ્થળોએ ઠંડા પાણી, છાશ, શરબતની પરબ શરૂ કરાશે. આ ઉપરાંત જાંબુ અને કાકડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના રથને ખલાસીઓ ખેંચે છે. એક રથમાં ત્રણસો ખલાસી હોય છે. આ મુજબ 900થી વધુ ખલાસીઓ રથયાત્રા દરમિયાન ભાગ લે છે. ભગવાન ના રથ ચોક્કસ ખલાસીઓને જ ચલાવવાનો અધિકાર છે. આ સાથે જ ખલાસીઓની પણ એક અનોખી પરંપરા છે. ભાગ લેનાર ખલાસીઓ પોતાના માટે ભોજન ઘરેથી જ સાથે લાવે છે. અલબત, માર્ગો પર શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા હોય છે. પરંતુ ખલાસીઓ ત્યાં ભોજન કરતા નથી. (file photo)