જમ્મુ-કાશ્મીરઃ આર્ટીકલ 370 દૂર થયાં બાદ અત્યાર સુધીમાં માત્ર બે વ્યક્તિઓએ કરી જમીનની ખરીદી
દિલ્હીઃ તા. 5મી ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવામાં આવ્યાં બાદ કોઈ પણ ભારતીય હવે જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી કરી શકે છે. જો કે, જમ્મુ-કાશ્મીરમાંથી 370 દૂર થયાં બાદ બે વર્ષના સમયગાળામાં બે વ્યક્તિઓએ જમીનની ખરીદી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાંથી કેન્દ્ર સરકારે આર્ટીકલ 370 દૂર કરવામાં આવી છે. તેમજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્યોની સ્થાપના કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો પાછો ખેંચાયા બાદ હવે દેશના કોઈ પણ રાજ્યમાં વસવાટ કરતી વ્યક્તિ જમ્મુ-કાશ્મીરમાં જમીનની ખરીદી કરી શકે છે. તેમજ અહીંના સ્થાનિકો દેશના કોઈ પણ નાગરિકને જમીનનું વેચાણ કરી શકે છે. દરમિયાન લોકસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2019 બાદ અત્યાર સુધીમાં બહારના માત્ર બે લોકોએ રાજ્યમાં જમીન ખરીદી છે. કેન્દ્રના ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયએ કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં હવે જમીન ખરીદવામાં લોકોને કે સરકારને કોઈ મુશ્કેલી પડી રહી નથી.
દરમિયાન તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ રાજ્યમાં નવી શૂટિંગ પોલિસી પણ લાગુ કરી છે. અહીંયા સંખ્યાબંધ સ્કીમ પણ શરૂ કરવામાં આવી છે.
(Photo-File)