રાજકોટ : જામનગર શહેરથી આવી રહેલા સમાચાર ખુબ જ દુ:ખદાયક છે, વાત એવી છે કે ગઈ કાલે એક બાળક રમત રમતમાં બોરવેલમાં પડી ગયું હતુ, આ વાતની તંત્રને જાણ થતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલા પણ ઉઠાવવામાં આવ્યા, પણ આખરે તંત્ર બાળકનો જીવ બચાવવામાં અસફળ રહ્યું અને બાળકને પોતાનો જીવ ગુમાવવો પડ્યો.
સમગ્ર વાત એવી છે કે 21 કલાક બાદ આજે વહેલી સવારે 5.45 વાગ્યે તંત્રની તેમજ સ્થાનિક લોકો અને સેવાભાવી લોકોની મદદથી બાળકીને બહાર તો કાઢવામાં આવી પરંતુ જ્યારે તેને જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી.બાળકીને બચાવવા માટે સૌપ્રથમ ફાયર બ્રિગેડ, આર્મીના જવાનો કામે લાગ્યા હતા. ત્યારબાદ રાત્રિના 7:30 કલાક બાદ NDRFની ટીમ પણ તમાચણ ગામે પહોંચી હતી અને બાળકીને કાઢવા માટે રેસ્કયૂ હાથ ધરવામાં આવ્યું હતું.
બાળકીને બચાવવા માટે બોરની નજીક જેસીબીથી ખાડો કરવામાં આવ્યો હતો. એનડીઆરએફની ટીમ, ફાયરના જવાનો અને સેવાભાવી લોકો કામગીરીમાં જોડાયા હતા અને અંતે જમીનમાં જે ખાડો કરવામાં આવ્યો હતો તેનાથી સાત ફૂટ બોર તરફ બીજો ખાડો કરીને અઢી વર્ષની બાળકી રોશનીને બહાર કાઢવામાં આવી હતી.
આ બાબતે ફાયર ચીફ ઓફિસરે મીડિયાને જણાવ્યું હતુ કે ગઈકાલે સવારે અમને આ ઘટના વિશે જાણ થઈ હતી. ત્યારબાદ જામનગર મનપાની ફાયરની ટીમ અને કાલવડની ફાયરની ટીમ સવારે 11:30 વાગ્યાથી જ પહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ આર્મીની ટીમ અને NDRFની ટીમ પણ જોડાઈ ગઈ હતી. તેમજ એક પ્રાઈવેટ પાર્ટીનો રોબોટ પણ બોલાવવામાં આવ્યો હતો. આખી રાત ઓપરેશન ચાલ્યું હતું. બાળકી લગભગ 35 ફુટ અંદર હતી. ત્યારબાદ તેને બહાર કાઢવામાં આવી રહી હતી. ત્યારે ઉપર આવતા સમયે 5 ફુટના અંતરે બાળકી ફરી ફસાઈ ગઈ હતી. ત્યારબાદ સાઈડમાંથી ખોદકામ કરીને કાઢવામાં આવી હતી.