જામનગરઃ જિલ્લામાં ભારે વરસાદ બાદ આજે મંગળવારે બપોર સુધી મેઘરાજાએ વિરામ લીધો હતો. પણ સોમવારે મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે જિલ્લના ગ્રામ્ય પંથકમાં વ્યાપક ખાનાખરાબી સર્જી હતી. ખાસ કરીને કાલાવડના બાંગા, ધુતારપર, ધુડશિયા તેમજ જામનગરના અલિયા, બાડા, મોડા, ખીમરાણા, ધુંવાસ સહિતનાં ગામોમાં પૂરના પાણી ઘૂસતાં જનજીવન હતપ્રત બની ગયું હતું. જામનગર જિલ્લામાં 24 કલાક મેઘરાજાએ જાણે કે જળતાંડવ કર્યું હોય એમ જિલ્લાનાં મોટા ભાગનાં ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયાં હતાં. ચોતરફ પાણીની વચ્ચે ગ્રામજનોએ રાત વિતાવી હતી. આજે મંગળવારે બપોર સુધીમાં જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો પણ ચારેકોર પાણી જ ભરાયેલા હોવાથી લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
જિલ્લાના કાલાવડના બાંગામાં પાણીમાં ફસાયેલા છ, જોડિયા પંથકના કુન્નડમાંથી બે અને ધુડશિયામાંથી આઠ લોકોને એરલિફટ કરાયા હતા. અન્ય 57 લોકોને એનડીઆરએફ સહિતની ટીમ અને ફાયરની ટીમે પણ 40 લોકોને બહાર કાઢયા હતા. કાલાવડમાં રવિવારથી સોમવાર સાંજ સુધીમાં 24 કલાકમાં જ 21 ઇંચ વરસાદ ખાબકયો હતો, જેને પગલે ખાસ કાલાવડના બાંગા પંથકમાં પૂરના પાણીમાં ફસાયેલા છ લોકો ઉપરાંત જામનગરના ધુડશિયામાં આઠ અને જોડિયાના કુન્નડમાં બે સહિત 16 લોકોને એરલિફટ કરાયા હતા, જ્યારે કાલાવડના પંજેતનનગરમાં 31 લોકો પાણીમાં ફસાયા હતા, જેને એનડીઆરએફની ટીમે સલામત રીતે બહાર કાઢયા હતા. જ્યારે બાંગામાં અન્ય 14 લોકો, મોડામાં 14, અલિયામાં આઠ લોકો, શેખપાટમાં બે, ખંઢેરામાં ત્રણ સહિતના લોકોને ફાયર સહિતની સ્થાનિક ટીમોએ રેસ્કયૂ કર્યા હતા. અલિયા ગામે 25 ઉપરાંત ધુંવાવ ગામે 15 લોકોને જામ્યુકોની ફાયર શાખાએ સલામત રીતે બહાર કાઢ્યા હતા.
જામનગર શહેર-જિલ્લામાં સોમવારે વહેલી સવારથી મેઘરાજાએ તાંડવ સર્જ્યું હતું, ખાસ કરીને કાલાવડમાં રવિવારે શરૂ થયેલા વરસાદે મોડી સાંજ સુધીમાં 24 કલાકમાં 20 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. બાંગા, ધુતારપર, ધુડશિયા સહિતના આજુબાજુના ગ્રામ્ય પંથકમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી. ગામના પાદર સુધી કેડ સમા પાણી ભરાતાં લોકો હાલાકીમાં મુકાયા હતા. ધ્રોલમાં છેલ્લા 24 કલાકમાં વધુ નવ ઇંચ, જોડિયામાં સાત ઇંચ પાણી વરસ્યા હતા, જ્યારે જામજોધપુર-લાલપુરમાં અઢીથી ત્રણ ઇંચ વરસાદ મોડી સાંજ સુધીમાં વરસ્યો હતો.
જામનગરમાં સવારથી મુશળધાર મંડાયેલા મેઘરાજાએ સાંજ સુધીમાં સાડાપાંચ્ ઇંચથી વધુ પાણી ઠાલવી દેતાં શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. શહેર સહિત અમુક સ્થળોએ રાત્રે પણ મેઘમુકામ યથાવત્ રહ્યો છે. મેઘરાજાએ માત્ર 24 કલાકમાં જ શહેર-જિલ્લાને પાણીથી તરબોળ કરી દેતાં અમુક સ્થળોએ વ્યાપક ખાનાખરાબી પણ સર્જાઈ છે.