અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. શહેરી વિસ્તારોની સાથે ગ્રામીણ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. જેથી મોટી સંખ્યામાં દર્દીઓ શહેરોમાં આવેલી મોટી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે. ગ્રામીણ વિસ્તારના દર્દીના પરિવારજનોને શહેરમાં કોઈ સમસ્યા ન સર્જાય તે માટે હવે વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ અને સમાજ આગળ આવી રહ્યાં છે. જામનગર શહેરમાં વિવિધ સમાજના આગેવાનો અને સરકારના અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં દર્દીઓના પરિવારજનોના રહેવા અંગે લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ સમાજના આગેવાનોએ કોવિડ દર્દીઓના સગા સંબંધીઓ માટે રહેવાની જમવાની વ્યવસ્થા કરવાની હૈયાધારણા આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સૌરાષ્ટ્રમાં સૌથી મોટી મનાતા જાનગરની જી.જી.હોસ્પિટલમાં શહેર ઉપર ગ્રામીણ વિસ્તારમાં કોવિડના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. બહારથી આવતા દર્દીના સગા સબંધીઓ શહેરમાં યોગ્ય સગવડ સાથે રહી શકે તથા કોરોના સંક્રમણ ન થાય તે માટે શહેરમાં જુદાજુદા સમાજની વાડીઓના પ્રતિનિધિઓની એક બેઠક મળી હતી. જામનગર મહાનગરપાલિકાના કમિશનર પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ અને મનપાના હોદ્દેદારો ઉપરાંત 30 જેટલા સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા. સમાજના આગેવાનોએ કોવિડ દર્દીઓના સગા સંબંધીઓ માટે રહેવાની જમવાની વ્યવસ્થા કરવાની તૈયારી દર્શાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા કેટલાક નિયંત્રણો નાખવામાં આવ્યાં છે. જેથી કોવિડ દર્દીઓના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો ઉઠી છે. બીજી તરફ તંત્રની સાથે હવે વિવિધ સમાજ અને સંસ્થાઓ પણ તેમની મદદ માટે આગળ આવી છે.