નવી દિલ્હીઃ ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને રાજભવનમાં હેમંત સોરેનને મુખ્યમંત્રી પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. હેમંત સોરેન ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે. બુધવારે ચંપાઈ સોરેને સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
તાજેતરમાં જ હાઈકોર્ટે તેમને જમીન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા હતા. જે બાદ બુધવારે ઈન્ડિ એલાયન્સની બેઠકમાં ચંપાઈ સોરેનની જગ્યાએ હેમંત સોરેનને મુખ્યમંત્રી બનાવવા પર સહમતિ સધાઈ હતી. આ પછી હેમંત સોરેને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. દરમિયાન રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને હેમંત સોરેનને રાજ્યમાં સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. હેમંત સોરેનની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજેશ ઠાકુર, મંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા સત્યાનંદ ભોક્તા અને ધારાસભ્ય વિનોદ સિંહ સામેલ હતા.
અગાઉ, શાસક ગઠબંધનના નેતાઓ અને ધારાસભ્યોએ સર્વસંમતિથી હેમંત સોરેનને ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચંપાઈ સોરેનના નિવાસસ્થાને મળેલી બેઠકમાં ચૂંટ્યા હતા. ચંપાઈ સોરેને રાજીનામું આપતી વખતે કહ્યું હતું કે તેઓ પોતાની મરજીથી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. હેમંત સોરેનની ધરપકડ બાદ 2 ફેબ્રુઆરીએ ઝારખંડના 12મા મુખ્યપ્રધાન તરીકે શપથ લેનારા ચંપાઈ સોરેન રાજભવન ખાતે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા અને જેએમએમના કાર્યકારી પ્રમુખની હાજરીમાં રાજીનામું આપ્યું હતું.