મહેસાણાઃ ગુજરાતમાં ચોરી અને લૂંટફાટના બનાવો વધતા જાય છે. મહેસાણા જિલ્લાના જોટાણા શહેરમાં ભરબપોરે લૂંટારૂઓએ ત્રાટકીને તાલુકા કોંગ્રેસના પ્રમુખના પરિવારને બંધક બનાવીને લાખો રૂપિયાના દાગીના અને કોરડની લૂંટ કરીને પલાયન થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દાડી આવ્યો હતો. નાકાબંધી કરીને લૂંટારૂં ગેન્ગને પકડી પાડવા પ્રયાસો કર્યા હતા.
મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકા કૉંગ્રેસપ્રમુખના ઘરે ભરબપોરે લૂંટની ઘટના બનતાં ચકચાર મચી ગઈ હતી. પાંચ જેટલા બુકાનીધારી લૂંટારાએ બપોરના સમયે ત્રાટક્યા હતા અને ઘરમાં હાજર ત્રણ મહિલા અને બે બાળકને બંધક બનાવી લાખો રૂપિયાના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. ઘરમાં હાજર મહિલાઓને સાડી વડે બાંધી દેવામાં આવી હતી. ત્યાર બાદ નાનાં બાળકોના લમણે રિવોલ્વર મૂકી ઘરના કબાટ અને તિજોરીમાં રાખેલા લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમની લૂંટ કરી લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા..
પોલીસ સૂત્રોમાંથી આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, જોટાણામાં રહેતા તાલુકા કૉંગ્રેસના પ્રમુખ મૃગેશ ચાવડાના ઘરે સોમવારે બપોરે તેમનાં પત્ની, માતા, દાદી અને બે બાળકો હાજર હતાં. ત્યારે બપોરના સવાબેથી અઢી વાગ્યાના અરસામાં પાંચ જેટલા બુકાનીધારી લૂંટારાઓ રિવોલ્વર અને છરા સાથે ઘરમાં ત્રાટક્યા હતા. ઘરમાં હાજર ઈલાક્ષીબેન ચાવડાએ જણાવ્યું હતું કે તેમનાં સાસુનો અવાજ આવતાં તેઓ પોતાના રૂમમાંથી બહાર આવ્યાં હતાં. ત્યારે ચાર શખસે તેને રિવોલ્વર બતાવી અવાજ ન કરવા ચેતવણી આપી હતી. ત્યાર બાદ એક રૂમમાં ત્રણ મહિલા અને બે બાળક સહિત પાંચ લોકોને પૂરી દીધાં હતાં. લૂંટારાઓએ બે મહિલાને સાડી વડે બાંધી દીધી હતી અને બે બાળકોના લમણે રિવોલ્વર મૂકી ધમકાવ્યા હતા. ત્યાર બાદ ઘરમાં જેટલા પણ દાગીના હતા એ તમામ ફંફોસીને કાઢી લીધા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે ડોગસ્વોર્ડની મદદ લઈને વધુ તપાસ હાથ ધરી છે, લૂટારૂ શખશો કોઈ જાણભેદુ હોવાની શક્યતા છે. મહેસાણા એલસીબી, એસઓજી સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને લૂંટારાઓનું પગેરું દબાવવા પ્રયાસો હાથ ધર્યા છે. ઘટનાને લઈ આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ તપાસ કરવામાં આવી રહ્યા છે.
આ લૂંટના બનાવ અંગે જોટાણા તાલુકા કૉંગ્રેસના પ્રમુખ મૃગેશ ચાવડાએ જણાવ્યું હતું કે તેઓ બપોરે 1 વાગ્યે ઘરે જમીને પોતાના કામે બહાર નીકળ્યા હતા. ત્યાર બાદ સવા બેથી અઢી વાગ્યાના અરસામાં પાંચ લૂંટારા રિવોલ્વર અને છરા સાથે ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરમાં અંદાજે 30 તોલા જેટલું સોનું હતું. જ્યારે રોકડનો અંદાજ નથી. પોલીસ રૂમમાં પ્રવેશવા દે, ત્યાર બાદ ચોક્કસ રકમ અને વસ્તુનો ખ્યાલ આવશે. હું મારા પેટ્રોલપંપ પર હતો ત્યારે મને આ બનાવ અંગે જાણ થઈ હતી.