Site icon Revoi.in

જુનાગઢમાં 7 વર્ષની બાળકીને દાદાના હાથમાંથી ઝૂંટવીને દીપડો જંગલમાં ખેંચી ગયો

Social Share

જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં દીપડાની વધતી જતી વસતી સાથે રંઝાડ પણ વધી રહી છે. ત્યારે જુનાગઢના સોનારડી ગામે શિકારની શોધમાં આવેલા દીપડાએ દાદાના હાથમાંથી ઝૂંટવીને સાત વર્ષની બાળકીને ગળાથી દબોચીને જંગલમાં ખેંચી જતો હતો. ત્યારે બુમાબુમ થતાં દીપડો બાળકીને છોડીને નાશી ગયો હતો. દીપડાંના હુમલામાં બાળકીનું મોત થયું હતુ.  આ બનાવથી ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના જૂનાગઢમાં આવેલા જંગલ વિસ્તારમાંથી અનેક વખત જંગલી જાનવરો રહેણાંક વિસ્તારોમાં આવી ચડતા હોય છે અને માલધારીઓના પશુની મિજબાની માણતા હોય છે. ઘણી વખત તો જંગલી જાનવરો માનવીઓ પર પણ હુમલો કરતાં હોવાના બનાવો બનતા હોય છે, ત્યારે જુનાગઢના સોનારડી ગામમાંથી આવો જ એક બનાવ બન્યો હતો. જેમાં ખુંખાર દીપડો દાદાના હાથમાંથી બાળકીને ઝૂંટવીને જંગલમાં ખેંચી ગયો હતો. આ ઘટનાને પગલે દાદાએ બુમાબુમ કરતાં ગ્રામજનો ભેગા થઇ ગયા હતા અને દીપડાને ભગાડ્યો હતો. જેથી ગભરાઈ ગયેલો દીપડો બાળકીને મૂકીને ભાગી ગયો હતો. જો કે આ હુમલામાં બાળકીનું મૃત્યુ થયું હતું

જૂનાગઢના સોનરડી પ્લોટ વિસ્તારમાં બાળકી પર દીપડાના હુમલાને પગલે ચકચાર મચી જવા પામી છે. અહીં દાદા બાળકીને લઇને ઉભા હતા. ત્યારે અચાનક જ ક્યાંકથી દીપડો આવી ચડ્યો હતો. જો.કે તે સમય દરમિયાન દાદા કંઇ સમજે તે પહેલાં જ દીપડાએ છલાંગ મારી દાદાના હાથમાંથી બાળકીને ઝૂંટવી લીધી હતી. ત્યાર બાદ દાદાએ બુમાબુમ કરતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા. જીવરાજભાઈની બૂમો સાંભળીને ગ્રામજનો દોડી આવ્યા હતા. ગ્રામજનોએ દીપડો દોડ્યો હતો, તે દિશામાં બાળકીની શોધખોળ આદરી હતી. જ્યારે દીપડો બાળકીને મૂકીને ભાગી ગયો હતો. આ દરમિયાન નદીના પટમાંથી લોહીલુહાણ હાલતમાં બાળકી મળી આવી હતી. દીપડાના હુમલામાં બાળકીનું મૃત્યુ થયું છે. હાલ બાળકીના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.

મૃતક બાળકીના દાદા જીવરાજભાઈ રઠોડે જણાવ્યું કે, હું બાળકીને હાથમાં લઇને ચાલતાં-ચાલતાં જઇ રહ્યો હતો, ત્યારે બાવળની ઝાડીઓમાંથી અચાનક જ દીપડો આવી ચડ્યો હતો. તેણે છલાંગ મારી તેમના હાથમાંથી બાળકીને ઝૂંટવી લીધી હતી. તે બાળકીને લઇને ભાગ્યો હતો. બુમાબુમ થતા ગામના લોકો બહાર દોડી આવ્યા હતા. અને હાકલા પડકારા કરીને દીપડાને ભગાડ્યો હતો. દીપડો બાળકીને મૂકીને ભાગી ગયો હતો. આ હુમલામાં બાળકીનું મૃત્યુ થયું હતુ.