લો બોલો, જૂનાગઢ સિવિલમાં કોરોના મહામારી વચ્ચે કામ વિના આંટાફેરા કરતા 30 લોકો પકડાયાં
જૂનાગઢઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. બીજી તરફ કોરોનાનો ચેપ વધારે ન ફેલાય તે માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન જૂનાગઢ સિવિલમાં કામ વિના આંટાફેરા કરતા લોકોને ઝડપી લેવા માટે સિવિલ હોસ્પિટલ અને પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં 30 લોકો પકડાયાં હતા. જેમણે હોસ્પિટલમાંથી બહાર કાઢી મુકવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર કોવિડ-19 ચેપી હોવાથી તેનું સંક્રમણ અટકાવવા સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન અનુસાર જ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના પરિવારજનો કે સગાને રાખવામાં આવતા નથી. સરકારી હોસ્પિટલમાં કોવિડ ઉપરાંત અન્ય બીમારીથી પીડિત દર્દીઓ પણ સારવાર લેતા હોય છે. જૂનાગઢ સિવિલમાં ગંભીર દર્દીના પરિવારના સભ્યને જ રાખવાની તંત્રએ અગાઉ તાકીદ કરી હતી. દરમિયાન સિવિલ હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ સાથે વોર્ડમાં વધારાના સગાઓ જરૂરિયાત ના હોય છતાં બિન જરૂરી આંટા મારતા લોકોને શોધી કાઢવા માટે પોલીસ અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં ચેકીંગ માટે 3 ટીમો બનાવી હતી. તપાસ દરમિયાન બિન જરૂરી આંટાફેરા મારતા 30 લોકો પકડાયાં હતા. જેથી તેમને બહાર મોકલી દેવામાં આવ્યાં હતા. આ ઉપરાંત હવે હોસ્પિટલમાં બિન જરૂરી આંટાફેરા મારતા પકડાશે તો કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.