અમદાવાદઃ ગુજરાતમાં વીજચોરીનું દૂષણ વધતું જાય છે. ખાસ કરીને ગામડાંમાં વધુ વીજચોરીના કેસ પકડાતા હોય છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીના સૌથી વધુ કેસ પકડાયા છે. જેમાં માત્ર એક જ અઠવાડિયામાં છ કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે, તેમજ માત્ર એપ્રિલ મહિનામાં જ 25 કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ હતી. જ્યારે એક જ વર્ષમાં 218 કરોડ રૂપિયાની અધધ વીજ ચોરી પકડાઈ હતી. એક વર્ષમાં સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ 694438 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 84143 વીજ કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાઈ હતી. 500થી વધુ ટીમ દ્વારા આવી જ ચોરી ડામવા માટે અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં બેરોકટોક વીજચોરીને લીધે સરકારી વીજકંપનીઓને કરોડો રૂપિયાની ખોટ સહન કરવી પડી રહી છે. આથી સરકારની ચારેય વીજ કંપનીઓએ વીજ લોસ ઘટાડવા માટે છેલ્લા એક વર્ષથી વીજ ચેકિંગ ઝૂંબેશ આદરી છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર-કચ્છમાંથી વીજચોરીના કેસો પકડાયા છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી 218 કરોડની વીજ ચોરી ઝડપાઈ હતી. વીજ ચેકિંગ ટીમોએ 694438 વીજ કનેક્શન ચેક કર્યા હતા. જેમાં 84143 વીજ કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાઈ હતી
પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારીઓની બનાવેલી ટીમ દ્વારા ચેકિંગ ઝૂબેશ આદરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન વીજ ચોરી કરવાની અવનવી તકનીકો પણ સામે આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમા મુખ્ય વીજ કનેક્શનમાંથી ડાયરેક્ટ ચોરી કરતા તો કેટલાક કેસો નોંધાયા હતા. જ્યારે વીજ મીટરના મુખ્ય સીલમાં છેડછાડ કરી વીજ ચોરી કરતા તેમજ કેટલાક તો વીજ મીટર જ બાળી નાખી વીજ ચોરીને અંજામ આપતા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ પીજીવીસીએલ દ્વારા વીજચોરી ઝૂંબેશમાં રાજકોટમાં 2013.16 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હતી, રાજકોટ ગ્રામ્યમાં 2333.46 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, મોરબીમાં 1526.01 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, પોરબંદરમાં 1625.73 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, જામનગરમાં 2565.79 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ,ભુજમાં 821.55 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, અંજારમાં 1585.37 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, જુનાગઢમાં 1513.94 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, અમરેલી 1899.39 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ બોટાદમાં 1013.00 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, ભાવનગરમાં 2957.73 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ, સુરેન્દ્રનગરમાં 1990.37 રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ આમ સૌરાષ્ટ્ર કચ્છમાંથી કુલ 21845.47 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કયા ડિવિઝનમાં વધુ નુકસાન જાય છે તે જોઈને ત્યાં અલગ અલગ ત્રણ સ્તરે વીજ ચેકિંગ માટેની ટીમ ઉતારવામાં આવતી હોય છે. આ ટીમ દ્વારા ઉદ્યોગો તેમજ રહેણાંક વિસ્તારોમાં જઈને ચેકિંગ કરતું હોય છે