ગુજરાતમાં માત્ર ત્રણ મહિનામાં ઈન્કમટેક્સની આવક 12 હજાર કરોડે પહોંચી, 126 ટકાનો વધારો
અમદાવાદઃ દેશમાં આવક વેરાની રકમ સરકારને રળી આપવામાં ગુજરાત મોખરે છે. કોરોના કાળમાં ભલે દેશના અર્થતંત્રને અસર પહોંચી હોય પરંતુ ગુજરાતના વેપારીઓની આવકમાં ઘટાડો નથી થયો તે વાતની પુષ્ટિ અત્યાર સુધી ગુજરાતમાં ભરાયેલા ઇન્કમટેક્સ રિટર્ન પરથી થાય છે. એપ્રિલથી અત્યાર સુધીમાં રૂ. 12 હજાર કરોડની ટેકસની આવક ઇન્કમટેક્સ વિભાગને થઇ છે. પ્રિન્સિપલ કમિશનર ઓફ ગુજરાત ઇન્કમટેક્સનો કાર્યભાળ સંભાળતા રવિન્દ્ર કુમારે જણાવ્યું કે, રાજ્યની આ આવક ગત વર્ષની સરખામણીએ 126 ટકા વધી છે.
પ્રિન્સિપલ કમિશનર ઓફ ગુજરાત ઇન્કમટેક્સ તરીકે રવિન્દ્રકુમારની વરણી થતાં તેમણે ઇન્કમટેક્સ વિભાગના વિવિધ અધિકારીઓ સાથે બેઠક કરીને રાજ્યમાં ટેક્સની આવક કેવી રીતે વધારી શકાય તે અંગે ચર્ચા કરી હતી. કોરોનાકાળમાં ઇન્કમટેક્સ વિભાગના 24 અધિકારી તેમજ કર્મચારીઓના જીવ કોરોનાને કારણે ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે કરદાતાઓને આયકર વિભાગના ધક્કા ના ખાવા પડે તે માટે ફેસલેસ સિસ્ટમ પર વધારે ભાર આપવા સલાહ આપી છે.
તેમણે જણાવ્યું કે, ગુજરાત ઇન્કમટેક્સ વિભાગમાં કરદાતાની મોટાભાગની ફરિયાદોનું નિવારણ ત્વરિત લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ગત વર્ષે 1283 ફરિયાદ હતી જેમાંથી 90 ટકા ફરિયાદનું નિવારણ લાવી દેવાયું છે. ગુજરાતમાં આવકવેરાની સરકારને ગત વર્ષની તુલનાએ 126 ટકા વધુ આવક થઈ છે. એપ્રિલથી અત્યાર સુધીમાં રૂ. 12 હજાર કરોડની ટેકસની આવક ઇન્કમટેક્સ વિભાગને થઇ છે.