Site icon Revoi.in

વડોદરાના કમાટીબાગમાં બાળકો માટેની છૂક – છૂક ગાડી મ્યુનિની બેદરકારીથી બંધ થઈ !

Social Share

વડોદરાઃ શહેરના કમાટીબાગમાં 70 વર્ષ જૂની બાળકો માટેની છૂક  છૂક ગાડી યાને ટ્રેન મ્યુનિની અને કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે બંધ થઈ છે. તહેવારો કે અન્ય દિવસોમાં કમાટીબાગમાં મજા માણવા આવતાં સહેલાણીઓ હવે જોય ટ્રેનનો આનંદ માની શકશે નહીં. મ્યુનિ,ના સત્તાધિશોની નિષ્ક્રિયતાને કારણે જોય ટ્રેન બંધ કરવી પડી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના કમાટીબાગમાં રોજ મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી સહેલાણીઓ આવતા હોય છે. વેકેશન દરમિયાન કે તહેવાર સમયે સ્કૂલના બાળકોને પણ પ્રવાસ માટે કમાટીબાગમાં લાવવામાં આવતા હોય છે. ત્યારે તેવો જોય ટ્રેનની મજા અચૂક માણે છે. પણ જોય ટ્રેનના કોન્ટ્રાકટર અને મ્યુનિ.ના અધિકારીની બેદરકારીથી સહેલાણીઓની મજા બગડી છે. કોન્ટ્રાકટર ખોડલ કોર્પોરેશને છેલ્લા ત્રણ વર્ષથી થર્ડ પાર્ટી વીમો જ નથી લીધા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.  સાથે જ મ્યુનિ.ના કરાર મુજબ 70 લાખ રૂપિયા હજી સુધી જમા કરાવ્યા નથી. જેને લઇ પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગે કોન્ટ્રાકટરને નોટિસ પાઠવી તાત્કાલિક જોય ટ્રેન બંધ કરાવી છે. મ્યુનિ.એ કોન્ટ્રાકટરને થર્ડ પાર્ટી વીમો લેવા અને કરાર મુજબ 70 લાખ રૂપિયા જમા કરાવવાનો આદેશ કર્યો છે. આ બંને શરતો પૂરી થશે બાદમાં જ જોય ટ્રેન શરૂ કરવાની મ્યુનિ. મંજૂરી આપશે. મહત્વની વાત છે કે કોન્ટ્રાક્ટરે કોરોના સમયમાં જે રકમ ચૂકવવાની થતી હોય છે તેમાં રાહત આપવાની માંગ કરી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના કમાટીબાગમાં અગાઉ પણ રાઇડ્સ તૂટી જવાની ઘટના બની હતી, જેમાં કોન્ટ્રાકટર ખોડલ કોર્પોરેશન જ જવાબદાર હોવાનું સામે આવ્યું હતું, જેમાં અગાઉ પોલીસ ફરિયાદ પણ થઈ હતી. કોંગ્રેસના મ્યુનિ.ના નેતા અમીબેન રાવતે કોન્ટ્રાક્ટરે ટેન્ડરની શરતોનો ભંગ કર્યાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ ટેન્ડર રદ કરવાની માંગ કરી હતી. તેમજ મ્યુનિ. પોતે જોય ટ્રેન શરૂ કરે તેવી પણ માંગ કરી છે.

મહત્વની વાત છે કે કમાટીબાગમાં રોજ મોટી સંખ્યામાં લોકો જોય ટ્રેનમા બેસી 20 મિનિટમાં આખા બાગની મજા માણી લેતા હતા, પણ કોન્ટ્રાકટરના બેદરકારીના કારણે બાળકોની મજા પર નજર લાગી છે. ત્યારે હવે જોય ટ્રેન ક્યારે ફરી શરૂ થશે તે સવાલ ઉઠવા પામ્યો છે.