બેંગ્લોરઃ કર્ણાટકના શિવમોગામાં બજરંગ દળના કાર્યકરની હત્યાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. દરમિયાન મૃતકના અંતિમ સંસ્કાર વખતે હિંસા ફાટી નીકળી હતી અને પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ બની હતી, જેમાં એક મહિલા પોલીસકર્મી સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. રાજ્ય ભાજપના નેતાઓએ આ હત્યાની નિંદા કરી છે અને તેમાં કેટલાક ઇસ્લામિક સંગઠનોની ભૂમિકા હોવાનો આક્ષેપ કરીને આ મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા તપાસની માંગ કરી હતી.
રાજ્યના ગૃહ પ્રધાન અરાગા જ્ઞાનેન્દ્રએ કહ્યું હતું કે, “ હત્યાના કેસની વિસ્તૃત તપાસ ચાલુ છે. કારણો અને વિગતો (ઘટનાની) તપાસ રિપોર્ટ દ્વારા જ જાહેર કરવામાં આવશે. અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોણ, ક્યાં, કેવી રીતે? હું તેનો ખુલાસો કરી શકતો નથી કારણ કે હત્યા પાછળનું કારણ જાણવા તપાસ ચાલુ છે, આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ તેમની માહિતી મુજબ પાંચ લોકો હત્યામાં સામેલ હોવાનું કહેવાય છે, પરંતુ આ પાછળ કેટલા લોકોનો હાથ છે અને અન્ય તમામ વિગતો તપાસમાં બહાર આવશે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે હર્ષના મૃતદેહને અહીં જિલ્લા મેકગન હોસ્પિટલમાંથી લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે પથ્થરમારો થયો હતો. પોલીસે ભીડને વિખેરવા હવામાં ગોળીબાર કર્યો હતો અને લાઠીચાર્જ કરીને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. સીગેહટ્ટીના રહેવાસી હર્ષ પર રવિવારે રાત્રે ભારતી કોલોનીમાં અજાણ્યા લોકોના જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને મેકગન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનુ અવસાન થયું હતું.
રાજ્યના ગૃહ પ્રધાન અરાગા જ્ઞાનેન્દ્રએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે હર્ષ એક હિંદુ કાર્યકર્તા છે અને તે જાણીતું છે કે તેની સામે કેટલાક કેસ છે અને તેના પર અગાઉ પણ હુમલો કરવામાં આવ્યો હતો. હિંસા અંગે જ્ઞાનેન્દ્રએ કહ્યું, ‘અમે તેને ફેલાવવા દઈશું નહીં, શિવમોગામાં 1,200 જવાનો બંદોબસ્ત માટે તૈનાત છે, એક રેપિડ એક્શન ફોર્સ પણ છે. 200 કર્મચારીઓને બેંગલુરુથી મોકલવામાં આવી રહ્યા છે. શિવમોગામાં પોલીસ અધિક્ષક તરીકે કામ કરી ચૂકેલા વરિષ્ઠ અધિકારીઓને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે.