બેંગ્લોરઃ ટ્રાફિકના નિયમન માટે સમગ્ર દેશમાં ટ્રાફિક પોલીસ કાર્યરત છે એટલું જ નહીં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ વાહન ચાલક સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે છે જો કે, કેરલમાં ચોંકાવનારા ઘટના સામે આવી છે. ટ્રાફિક પોલીસે બાઈક ચાલકને વાહનમાં પેટ્રોલ ઓછુ હોવા મામલે મેમો આપીને રૂ. 250નો દંડ ફટકાર્યો હતો. બાઈક ચાલકે આ મેમો સોશિયલ મીડિયા ઉપર શેયર કરતા લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર કેરળમાં રહેતો તુલસી શ્યામ નામનો યુવાન મોટરસાઈકલ લઈને ઓફિસ જઈ રહ્યો હતો. વન-વે ઉપર યુવાન રોંગસાઈડમાં વાહન હંકારતો હોવાથી ટ્રાફિક પોલીસે તેને અટકાવ્યો હતો અને રૂ. 250ના દંડ ફટકાર્યો હતો. દંડ ભરીને યુવાનો ઓફિસ જતો રહ્યો હતો. જો કે, ટ્રાફિક પોલીસે આપેલી દંડની રસીદ જોતા તેમાં વાહનમાં ઈંધણ ઓછુ હોવાથી દંડ કરાયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેથી વાહન ચાલક યુવાન પણ ચોંકી ઉઠ્યો હતો.
બાઈક ચાલક શ્યામે જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસે આપેલા ચલણમાં દંડનું કારણ દર્શાવ્યું હતું કે મુસાફરો સાથે ઓછા ઈંધણે વાહન હંકારવું. જેથી કેટલાક વકીલનો પણ સંપર્ક કર્યો હતો. દરેક વકીલે કહ્યું કે, ઓછા પેટ્રોલના કારણે ચલાણ ના કાપી શકાય. જે બાદ શ્યામે મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના એક અધિકારીને ફોન કર્યો હતો.
ઉચ્ચ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, વાહનમાં ઈંધણ ઓછુ હોવા બાબતે ચલણ માત્ર કોમર્શિયલ વાહનો અપાય છે. વાહનમાં મુસાફરોને તેમના જવાના સ્થળ સુધી પેટ્રોલ ના હોય તો દંડ કરાયા છે. આ નિયમ ખાનગી વાહનોને લાગુ પડે છે. જેથીટ્રાફિક પોલીસે ભૂલથી આ ચલણ આપી દીધું હશે.