Site icon Revoi.in

કોરોનાના કાળમાં વૃદ્ધાશ્રમો હાઉસફુલ થવા લાગ્યા, રાજકોટમાં તો વેઈટિંગ ચાલી રહ્યું છે

Social Share

રાજકોટઃ ભારતીય સમાજમાં માતા-પિતાનું સ્થાન પરિવારમાં ઊંચું ગણવામાં આવે છે. પરંતુ બદલાતા જતાં સમયમાં ઘણા પરિવારો એવા છે કે, હવે દીકરાઓને પોતાના માતા-પિતાને સાથે રાખવા ગમતા નથી. સંયુક્ત પરિવારની ભાવના વિસરાતી જાય છે. ખોળાના ખૂંદનારાઓ પોતાનાં માતા-પિતાને પોતાનાથી અળગાં કરવામાં જરા પણ ખચકાતાં નથી.  એમાંયે કોરોનાની ત્રીજી લહેરમાં  રાજકોટ શહેરના વૃદ્ધાશ્રમો હાઉસફુલ થઈ ગયા છે. હાલ વૃદ્ધાશ્રમોમાં 200 ઇન્કાવાયરી અને 70થી વધુ અરજીઓ પેન્ડિંગ છે. કોરોનાને કારણે આર્થિક રીતે ભાંગી પડેલા પરિવારો પણ પોતાનાં માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સાંપ્રત સમાજમાં ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓના જ ઘણા પરિવારોના વૃદ્ધ માત-પિતાને વૃદ્ધાશ્રમમાં આશરો લેવાની ફરજ પડી રહી છે. રાજકોટના વૃદ્ધાશ્રમમાં હાલ વેઈટિંગ ચાલી રહ્યું છે. શહેરના ગોંડલ રોડ પર આવેલા રમણિક કુંવરબા વૃદ્ધાશ્રમનાં સંચાલકોના કહેવા મુજબ  કોરોનાકાળમાં માતા-પિતા સમાન વડીલોની કાળજી રાખવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. અહીં અમારા પોતાના ડોક્ટર્સ અને મેડિકલ ટીમોને તહેનાત રાખવામાં આવી છે, જેને લઈને  વૃદ્ધાશ્રમમાં વડીલો પૂરી રીતે સુરક્ષિત રહ્યા છે. અમુક વડીલોને કોરોના આવ્યો હતો, પરંતુ બધા સ્વસ્થ થઈને કોરોનામાંથી બહાર આવી ગયા છે. હાલમાં આશ્રમમાં 40-45 વડીલો નિવાસ કરી રહ્યા છે.

શહેરના ય એક વૃદ્ધાશ્રમના સંચાલકે જમાવ્યું હતું કે, કોરોનાના કાળમાં નેક પરિવારોની આર્થિક હાલત નબળી પડી છે. ઘણા પરિવારોમાં તેમના માત-પિતા બોજારૂપ બનતા જાય છે. એટલે વડીલોને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડી રહ્યો છે, આથી વૃદ્ધાશ્રમમાં પણ ઈન્કવાયરીની સંખ્યામાં વધારો થયો છે, જેમાં ઢોલરા ખાતે 200 કરતાં વધુ ઇન્કવાયરી આવી છે. બીજી તરફ ગોંડલ રોડ પરના રમણિક કુંવરબા વૃદ્ધાશ્રમ ખાતે 18 જેટલી ઇન્કવાયરી પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે.

શહેરના ઢોલરા વિસ્તારમાં આવેલા ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, કકોરોનાની બીજી લહેર દરમિયાન ઈન્કવાયરી વધી હતી, પરંતુ ત્યાર બાદ ઈન્કવાયરીમાં આંશિક ઘટાડો થયા બાદ ફરી કોરોનાના કેસમાં વધતાં ઈન્કવાયરીમાં વધારો થયો છે. રાજકોટમાં આવેલા આ વૃદ્ધાશ્રમમાં સૌરાષ્ટ્ર, ગુજરાત સાથે મહારાષ્ટ્રથી પણ ઈન્કવાયરી આવે છે. કોરોનાની પ્રથમ લહેર બાદ વૃદ્ધાશ્રમમાં અત્યારસુધીમાં 200 કરતાં વધુ ફોન આવ્યા છે, જેમાં 30 જેટલા ફોન મહારાષ્ટ્રથી તથા એક ફોન આંધ્રપ્રદેશથી આવ્યો છે.