- માધ્યમિકમાં 58 અને ઉચ્ચ માધ્યમિકમાં 38 ઉમેદવારો હાજર થયાં,
- સરકારી શાળાઓમાં 1066ના મહેકમ સામે 326 જગ્યાઓ ખાલી,
- જિલ્લા બહારના ઉમેદવારોને કચ્છમાં નોકરી કરવામાં રસ નથી
ભૂજઃ કચ્છ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક માટે 204 જ્ઞાન સહાયક ફાળવાયા હતા. પરંતુ, ચાર દિવસ દરમિયાન માધ્યમિક માટે માત્ર 58 અને ઉચ્ચત્તર માધ્યમિક માટે માત્ર 38 ઉમેદવારો હાજર થયા હતા. એટલે પસંદગી પામેલા 108 જ્ઞાન સહાયકો હાજર ન થતાં ફરીવાર જગ્યાઓ ખાલી રહેશે એવી દહેશત છે. જો કે શિક્ષણાધિકારીના કહેવા મુજબ હજુ આવતી કાલે મંગળવારે પસંદ પામેલા જ્ઞાન સહાયકોને હાજર થવાનો છેલ્લા દિવસ છે. એટલે બહારગામથી કે અન્ય જિલ્લાઓમાંથી આવનારા જ્ઞાન સહાયકો કાલ સુધીમાં હાજર તઈ જશે એવી આશા છે.
કચ્છ જિલ્લામાં સરકારી માધ્યમિક શાળામાં શિક્ષકોના મંજૂર મહેકમ 648 સામે માત્રે 512 જગ્યા ભરાયેલી છે અને 136 ખાલી છે. જ્યારે સરકારી ઉચ્ચત્તર માધ્યમિકમાં શિક્ષકોના મંજૂર મહેકમ 418 સામે 228 જગ્યા ભરાયેલી છે અને 190 ખાલી છે. આમ, ધોરણ 9થી 12 સુધીની સરકારી શાળામાં કુલ 1066 મંજૂર મહેકમ સામે માત્ર 740 જગ્યા ભરાયેલી છે અને 326 જગ્યા ખાલી છે. એવી જ રીતે અનુદાનિત માધ્યમિક શાળામાં મંજૂર મહેકમ 507 સામે 426 જગ્યા ભરાયેલી છે અને 45 જગ્યા ખાલી છે. જ્યારે અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિકમાં મંજૂર મહેકમ 373 સામે 307 જગ્યા ભરાયેલી છે અને 66 જગ્યા ખાલી છે. આમ, ધોરણ 9થી 12 અનુદાનિત શાળામાં 880 મંજૂર મહેકમ સામે 769 જગ્યા ભરાયેલી છે અને 111 ખાલી છે. સરકારી અને અનુદાનિત બંને મળીને ધોરણ 9થી 12માં કુલ 437 જગ્યાઓ ખાલી છે. કાયમી ભરતી ન થાય ત્યા સુધી સરકારે માધ્યમિકમાં માસિક 24000 ફિક્સ વેતનથી અને ઉચ્ચત્તર માધ્યમિકમાં માસિક 26000 ફિક્સ વેતનથી જ્ઞાન સહાયકની ભરતી શરૂ કરી છે.
શિક્ષણ વિભાગે ભરતી પ્રકિયા કરીને કચ્છ જિલ્લામાં 204 જ્ઞાન સહાયકો ફાળવી પણ દીધા હતા, જ્ઞાન સહાયકનું વેરીફિકેશનમાં શરૂ કરાયું હતું, જેમાં 58 જ્ઞાન સહાયકો હાજર થયા હતા. જ્યારે ઉચ્ચત્તર માધ્યમિકમાં શુક્રવારે અને શનિવારે જ્ઞાન સહાયકનું વેરીફિકેશન રખાયું હતું, જેમાં 38 જ્ઞાન સહાયકો હાજર થયા હતા. આમ, 204 સામે માત્ર 96 ઉમેદવારોઓ જ્ઞાન સહાયકની નોકરીમાં રસ દાખવ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં કાયમી ભરતી થવાની છે, જેથી કદાચ કોઈએ રસ દાખવ્યો નહીં હોય. દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, ધોરણ 9થી 12 માટે ફાળવાયેલા 204 જ્ઞાન સહાયકમાંથી વેરીફિકેશન માટે માત્ર 96 ઉમેદવાર હાજર થયા હતા, જેથી હજુ બે દિવસ પ્રતિક્ષા કરીશું. કોઈ આવશે તો સમાવી લેવાશે.