કચ્છમાં લિયાર,ખાટી-મીઠી આંબલી અને પીલુના ફાલથી વૃક્ષો ખીલી ઉઠ્યા, બજારમાં ધૂમ વેચાણ
ભૂજઃ કચ્છ જિલ્લાનો છેલ્લા બે દાયકાથી સારોએવો વિકાસ થયો છે. સાથે નર્મદા યોજનાનો લાભ મળતા કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. આ વર્ષે વૃક્ષો પર કુદરતી પાકતા ખારી જારમાં ખારા પીલુ, મીઠી જારમાં મીઠા પીલુ, મીઠી આંબલી, ખાટી આંબલી અને પીલુ, લિયારના ઝુંમખા જોવા મળી રહ્યા છે. અને વૃક્ષોએ લાલ ઓઢણી ઓઢેલી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
કચ્છની સુકી ધરા પર ઉનાળાની ઋતું અમુક કુદરતી ફાલ અને ફૂલને માફક આવે છે. મીઠી આંબલીમાં થતી મીઠી આંબલી આ વખતે વૃક્ષ પર ચિક્કાર પાકી છે. બાળકો સાથે મોટેરા એનો સ્વાદ માણી રહ્યા છે. અમુક વૃક્ષો આંબલીના એવા હોય છે જ્યાં ખાટીના બદલે મીઠી આંબલીનો ફાલ થાય છે. ખાટી આંબલીના બીજને કચીકા કહેવામાં આવે છે. હાલમાં લીંબુ મોંઘા હોવાથી મહિલાઓ સરબતમાં પણ આંબલીનો ઉપયોગ કરે છે. ઉપરાંત ગૃહિણીઓ આંબલીમાંથી બીજ (કચીકા) કાઢીને કાચની બરણીમાં આંબલીનો ગર્ભ સાચવી રાખી છે.
કચ્છના વડિલોના કહેવા મુજબ પહેલાંના જમાનામાં આ આંબલી રંગાટકામ કરતા કારીગરો રંગાટમાં ઉપયોગ કરતા હતા. હવે કેમિકલ એસિડનો ઉપયોગ થવા લાગ્યો છે. અમુક રંગાટકામ કરતા કારીગરો આંબલીનો ઉપયોગ કરે છે. ઉપરાંત ઉનાળાની ઋતુમાં કચ્છી મેવો લિયાર ખાવા મળે છે. કેસરી કલરના આ લિયારના ઝુમખાં હાલમાં શ્રીકાર વૃક્ષ પર લચી રહ્યા છે. વૃક્ષના પ્રકાર અને ફાલનો સ્વાદ અલગ હોય છે. ખારી જાર અને મીઠી જાર નામના વૃક્ષોના પાંદડા અલગ-અલગ પ્રકારના હોય છે. આમ બંને જારનાં વૃક્ષો ઘટાદાર હોય છે. હાલમાં ખારી જાર(વૃક્ષ)માં ખારા અને મીઠી જાર(વૃક્ષ)માં મીઠા પીલુથી વૃક્ષો ખીલી ઉટ્યા છે. પીલુ, આંબલી, ખાટી-મીઠી લિયાર જેવા કચ્છી મેવાથી શ્રમજીવીઓને રોજગારી પણ સારીએવી મળી રહે છે. 60થી 80 રૂા. કિલોના હિસાબે પીલુ વેચાય છે. ખાટી-મીઠી આંબલી બજારમાં આવી ગઇ અને આગામી અઠવાડિયામાં પીલુ, લિયારનો પણ સ્વાદ કચ્છીઓને ચાખવા મળશે.