Site icon Revoi.in

કચ્છમાં નખત્રાણા નજીક આવેલું છારીઢંઢ રંગ-બેરંગી કલરવ કરતા પક્ષીઓનું મુકામ બન્યું

Social Share

ભુજ : કચ્છ જિલ્લામાં નખત્રાણા તાલુકામાં આવેલું છારીઢંઢ  જળપ્લાવીત ક્ષાર ભૂમિ એટલે કે કચ્છના રણ અને બન્ની શુષ્ક ઘાસના મેદાની કિનારે આવેલું છે. હાલમાં તે કાયદેસર સંરક્ષિત કે આરક્ષિત જંગલ હેઠળ સુરક્ષિત ક્ષેત્ર છે. છારી નો અર્થ ક્ષાર અને ઢંઢ એટલે છીછરું જળપ્લાવીત ક્ષેત્ર. નાના છીછરા ખાબોચિયા માટે સિંધી ભાષામાં ઢંઢ એવો શબ્દ છે.  આ એક મોસમી જળપ્લાવીત-રણ છે અને માત્ર ચોમાસામાં ઉત્તર તરફ વહેતા નદી નાળા અને આસપાસની ટેકરીઓના વિશાળ જળગ્રાહી ક્ષેત્રના પાણી દ્વારે કાદવ યુક્ત બને છે આ ક્ષેત્ર ૮૦ ચો. કિ. મી વિસ્તારમાં ફેલાયેલું છે.  તે ભુજથી વાયવ્ય દિશામાં ૮૦ કિમી દૂર નખત્રાણા તાલુકામાં  આવેલું છે.  આ સ્થળ ચોમાસા અને શિયાળામાં સ્થળાંતર કરીને આવતાં લગભગ બે લાખ યાયાવર અને નાશપ્રાય પ્રજાતિઓના પક્ષીઓનું ઘર છે.

કચ્છના  ધોળાવીરાની પુરાતત્ત્વીય વિરાસત પોતાની આગવી વિશિષ્ટતાના કારણે વર્લ્ડ હેરિટેજના આંગણે દસ્તક દઇ રહી છે. કચ્છનું તેવું જ એક પર્યાવરણીય વિશિષ્ટતા ધરાવતું સ્થળ `છારીઢંઢ’ પોતાની વન્ય વિરાસતના કારણે `રામસર કન્વેયન્સ’માં સમાવિષ્ટ થવા પ્રયાણ કરે છે. કોરોનાના આતંકને દૂર કરવામાં અક્સીર ઉપાય રૂપે કહી શકાય તેવું આત્માને શાંતિ આપવા કુદરતને ખોળે ખૂંદવા માટે છારીઢંઢનું પક્ષીતીર્થ આવા પ્રખર ઉનાળામાં મનને શાતા આપે તેવું પ્રેક્ષણિય સ્થળ બનવા જઇ રહ્યું છે.

કચ્છમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે. જેમાં  છારીઢંઢ પક્ષીવિદો માટે જાણીતું સ્થળ બની રહ્યું છે. સુરખાબ ઉર્ફે ફલેમિંગો છારીઢંઢમાં મોટા જમાવડા રૂપે એકઠા થઇ ભરઉનાળામાં મુક્તપણે વિચરી રહ્યા છે, હોય રમણીય દૃશ્યો પક્ષીઓએ ઊભા કર્યાં છે. અહીં પંદરથી વીસ હજારથી વધારે ફલેમિંગો જેમાં નાનાં બચ્ચાં પણ છે તેઓ આરામથી પ્રખર ગરમીમાં’ જીવન નિભાવતા જોવાનો આ એક અનન્ય લહાવો માણવા જેવો છે. અહીંનું વાઇડ લાઇફ’ સમૃદ્ધ છે. છારીઢંઢના પરિસરમાં સ્થાનિક નિવાસી પક્ષીઓનો મોટો જમાવડો હતો, જેમાં પેઇન્ટેડ સ્ટોર્ક (રંગીન ધોકડા)ની 5000 જેટલી જમાતમાં મનોરંજન કરતી હતી.

કાજિયા ઉપરાંત અહીં ચમચા, કાંકણાસરના નાના-મોટા સમૂહ સાથે દૂર નહીં ઓળખાયેલ ગલ અને કારપીયન ટર્નના મોટા ઝૂંડ ઉડાઉડ કરતા જોવા મળે છે. કારપીયન ટર્ન આ વિસ્તારમાંથી માછલી લઇ બચ્ચાંને ખવડાવવા જતી હોય તેવાં દૃશ્યો પણ જોવા મળતા મળી રહ્યા છે. ગલ અથવા ટર્નની સંખ્યા પણ હજારોમાં હતી જ. કાળી ડોક ઢોંકની ત્રણ જોડી છારીઢંઢમાં વિચરતી હતી, જેમાં એક જોડી બચ્ચા હતા. આ દુર્લભ પક્ષી ક્યાંક માળો કરતું હશે તેવું અનુમાન નિરીક્ષક ટીમે કર્યું હતું.