કચ્છમાં દાડમના વૃક્ષો સુકારા નામના રોગથી સુકાવા લાગ્યા, ખેડુતોના મોંમાં આવેલો કોળીયો છીનવાયો
ભૂજઃ કચ્છમાં જ્યાં સિંચાઈની સુવિધા છે, તેવા વિસ્તારના ખેડુતો કેટલાક વર્ષોથી બાગાયતી પાક તરફ વળ્યા છે. જેમાં ભૂજ તાલુકામાં પણ ખેડુતો દાડમની ખેતી કરીને મબલખ ઉત્પાદન મેળવતા હતા પણ આ વર્ષે દાડમના વૃક્ષોમાં સુકારા નામનો રોગ આવતા ઝાડ સુકાવા લાગ્યા છે. સૂકારા નામના ભેદી રોગથી સુકાઇ રહેલા દાડમના ઝાડને ઉખેડીને ત્યાં જ બળતા હૈયે ખેડૂતો સુકાઈ ગયેલા ઝાડના લાકડાંને બાળી રહ્યા છે. બીજીબાજુ પાછોતરા વરસાદને પગલે દાડમના ઝાડમાં આવેલા ફાલ-ફુલ ખરી પડયા હતા. આમ ખેડુતોની સ્થિતિ કફોડી બની છે.
કચ્છ જિલ્લામાં છેલ્લા દશકમાં જ્યાં પિયત ખેતી થાય છે ત્યાં જાત-જાતના બાગાયતી પાક ખેડૂતો લેતા છે અને સારી આવક પણ મેળવે છે. તેમાં ખાસ કરીને કચ્છના ખેડૂતોએ ફળોમાં દાડમની ખેતી હજારો હેક્ટર જમીનમાં કરી છે. અને છેલ્લા પાંચેક વરસથી મજૂર, પરિવહન કરનારા, પેકિંગ કરનારા તેમજ બગીચામાંથી દાડમ એકઠા કરનારા, મશિન અને શ્રમિકોથી કામ કરાવનારાઓ તેમજ ફળોને ઝાડ પરથી કિલાના હિસાબે ઉતારનારા વગેરે તમામ બે પાંદડે થયા છે. ભુજ તાલુકામાં પણ ખેડૂતોએ દાડમની મોટા પ્રમાણમાં ખેતી કરી છે. ક્યારેક દાડમના ફળોમાં જીવાતના કારણે તેને ફેંકી દેવાય છે. પણ આ વરસે દાડમના ઝાડમાં સૂકારા (વિસ્ટ) નામની ઝેરી ભેદી જીવાત આવતાં આ જીવાત ઊભા ઝાડને લીલાછમમાંથી સૂકું બનાવી દે છે.
ભૂજ તાલુકાના કોટડા ચકાર, જાંબુડી, બંદરા, રેહા પંથકના દાડમની ખેતી કરતા ખેડૂતોએ આ સુકારા નામના દાડમના રોગને નાથવા વિવિધ જંતુનાશક રાસાયણિક દવાઓના છંટકાવ કર્યા પણ વૃક્ષની ડાળે શરૂ થયેલો સુકારો થોડા દિવસમાં આખા ઝાડને ભરખી જાય છે. ઝાડના પાંદડા, ઝીણી ડાળી વગેરે ખરી પડે છે. આ જોઇને ખેડૂતો ભારે હતાશ થયા છે. ખેડુતો દાડમના ઝાડમાં આવેલા સુકારા નામના રોગથી સુકાતા-સુકાઇ ગયેલા ઝાડને વાડી-બગીચામાં જ બાળી નાખે છે. બીજીબાજુ પાછોતરા વરસાદમાં પણ દાડમના ઝાડ પરથી ફૂલ-ફાલ ખરી પડયો હતો. હાલ તો ખેડૂતો દાડમના પાકમાં આવેલા રોગથી પરેશાન છે. ખેતીવાડી ખાતું આવા ખેડૂતોને સધિયારો આપે એ જરૂરી છે. ( file photo)