સુરતમાં છેલ્લા 5 વર્ષમાં ખાનગી સ્કૂલ છોડી 48778 વિદ્યાર્થીઓએ મ્યુનિની શાળામાં પ્રવેશ મેળવ્યો
- મોંઘવારીમાં ખાનગી સ્કૂલની ફી વાલીઓને પરવડતી નથી,
- મ્યુનિ.શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધર્યું,
- મ્યુનિની શાળાઓમાં સ્માર્ટ બોર્ડ પર શિક્ષણની વ્યવસ્થા
સુરતઃ શહેરમાં છેલ્લા 5 વર્ષમાં 48 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. રોજબરોજ વધતા જતી મોંધવારીને લીધે હવે વાલીઓને ખાનગી શાળાઓની ફી પરવડતી નથી. બીજીબાજુ મ્યુનિ.ની શાળાઓમાં પણ ખાનગી સ્કુલને ટક્કર માટે એવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. મ્યુનિ. શાળાઓમાં શિક્ષણનું સ્તર પણ સુધર્યું છે. એટલે હવે વાલીઓમાં ખાનગી સ્કુલમાં બાળકોને ભણાવવાનો ક્રેઝ ઘટી રહ્યો છે.
સુરત શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં શિક્ષણ સમિતિની સ્કૂલમાં 48778 વિદ્યાર્થીઓએ ખાનગી સ્સ્કૂલ છોડીને પ્રવેશ મેળવ્યો છે. તેમાં પણ કોરોના કાળ દરમિયાન સૌથી વધુ 13673 બાળકોએ ખાનગી સ્કૂલ છોડીને મ્યુનિની સ્કૂલમાં પ્રવેશ લીધો હતો. ખાનગી શાળામાંથી અભ્યાસ છોડીને મ્યુનિની શાળામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે અને તેના કારણે સમિતિના વિદ્યાર્થીઓનો આંકડો પણ 1.90 લાખ સુધી પહોંચી ગયો છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધરી રહ્યું છે. વધતી જતી મોંઘવારી અને તેમાં પણ ખાનગી શાળાઓમાં શિક્ષણ ઘણું જ મોંઘુ થઈ રહ્યું હોવાથી મધ્યમ વર્ગના વાલીઓમાં પણ ખાનગી શાળાનો મોહ ઓછો થઈ રહ્યો છે. તેના પરિણામે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોની ઘટ વચ્ચે વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મ્યુનિની મોટા ભાગની શાળાઓમાં હાઉસ ફુલ જેવી હાલત છે, આ સંખ્યા વધવા પાછળનું કારણ ખાનગી શાળામાં અભ્યાસક્રમ છોડીને અનેક વિદ્યાર્થીઓ પાલિકાની શાળામાં એડમિશન લઈ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા જોવામાં આવે તો ખાનગી શાળામાંથી સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 48778 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા જોવામાં આવે તો કોરોના કાળ પછી સૌથી વધુ એટલે કે વર્ષ 2021- 22માં 13676 વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી પ્રવેશ લીધો હતો. કોરોના કાળ દરમિયાન અનેક લોકોના નોકરી ધંધા બંધ થઈ ગયા હતા તેના કારણે ફી ભરવી પણ પોસાય તેમ ન હોવાથી અનેક વાલીઓએ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી પાલિકાની શાળામાં એડમિશન લેવડાવ્યું હતું.
સુરતમાં ખાનગી સ્કૂલોની જેમ સરકારી સ્કૂલમાં શિક્ષણનું સ્તર સુધારવા સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓને સ્માર્ટ બનાવવા મ્યુનિ પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસના ભાગરૂપે ખાનગી સ્કૂલમાં જેમ ઈન્ટર એક્ટિવ(સ્માર્ટ બોર્ડ) પર શિક્ષણ અપાય છે તેમ સમિતિ અને સુમન સ્કુલમાં પણ આ બોર્ડ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ માટે શિક્ષકોને ખાસ તાલીમ આપવામાં આવી છે. આ બોર્ડના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણમાં રૂચી વધવા સાથે શિક્ષકો ઓછી મહેનતે વધુ સારું શિક્ષણ આપી રહ્યાં છે. (File photo)
#SuratEducation | #MunicipalSchools | #PrivateSchoolFees | #SmartBoards | #StudentEnrollment | #EducationalReforms | #PublicVsPrivateSchools | #SuratMunicipalCorporation