માધવપુર(ઘેડ)માં શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ ધામધૂમથી ઊજવાશે, પાંચ દિવસનો મેળો ભરાશે
પોરબંદરઃ માધવપુરમાં માધવરાયજીનું મંદિર આવેલું છે. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન તા. 10મી એપ્રિલના રોજ ધામધૂમથી ઊજવાશે. જેના માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભગવાનના લગ્ન બાદ પાંચ દિવસનો ભાતીગળ મેળો પણ ભરાશે
માધવપુરમાં ધુળેટીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન લખવામાં આવ્યા હતા. ત્યારબાદ માધવરાયજીના નિજ મંદિરેથી ભગવાન શ્રીકૃષ્ણ ની વાજતે ગાજતે કીર્તન સાથે પાલખી મધુવનમાં બિરાજમાન રૂક્ષ્મણીના મઢે પહોંચી હતી. માધવરાયજી મંદિરના સેવક રૂચિરભાઈ સાથે શ્રદ્ધાળુઓ મોટી સખ્યામાં જોડાયા હતા. મુખ્ય માર્ગ પરથી શ્રી કૃષ્ણની પાલખી નીકળી હતી, સાથે ઢોલનગારાના તાલે ભાવિકો મધુવનમાં શ્રીરૂક્ષ્મણી માતાજીના મઠે પહોચ્યા હતા જ્યાં ભગવાન કૃષ્ણને પરંપરાગત ઝુલાવવ્યા હતા.
માધવપુરમાં કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્નની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ધૂળેટીના દિને શ્રીકૃષ્ણના વરપક્ષના મુખ્યાજી રૂચિરભાઈ સેવક તેમજ કન્યાપક્ષના મહંત સુધીરભાઈ અને પંકજભાઈ નિમાવત બને પક્ષ દ્વારા કીર્તન કરી રાજભોગ ધરાયો હતો. બાદ હિન્દુ સંસ્કૃતિ મુજબ શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન લખાયા હતા. આ લગ્ન પચીસ વાનાના લખાય છે. ચૈત્ર સુદ રામનોમને તા.10/04ને રવિવારના દિવસે રૂક્ષ્મણી માતાજીનું તેના મહંત દ્વારા સવારે 11 કલાકે તેડું કરવામાં આવશે બાદ શ્રીકૃષ્ણના નિજમંદિરેથી રાત્રી ના 9 કલાકે ઢોલનાગરા, દાડિયા રાસની રામઝટ સાથે બ્રહ્મકુંડ સુધી ત્રણ દિવસ ચૈત્ર સુદ નોમથી અગિયારસ સુધી ભગવાન શ્રીકૃષ્ણનું વરણાગી એટલે કે ફૂલેકુ નીકળશે. ત્યારબાદ બારસને દિવસે કન્યાપક્ષના મહંત દ્વારા સામૈયું લઇને શ્રીકૃષ્ણના મુખ્યાજીને વિધિવત જાન લઇને આવવા માટે આમંત્રિત કરવામાં આવે છે. જાનનું આગમન સાંજે 6 કલાકે થશે. બાદ રાત્રીના ભગવાન શ્રીકૃષ્ણ ના 4 ફેરા ફેરવવામાં આવશે. તા.10/04 થી 14/4 એમ પાંચ દિવસ સુધી ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવશે. (file photo)