મધ્યપ્રદેશમાં મુસાફરો ભરેલી બસ કેનાલમાં ખાબકી, 40થી વધારેના મોતની આશંકા
ભોપાલઃ મધ્યપ્રદેશમાં સિધી જિલ્લામાં મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સિધીના રામપુર નૈકિન વિસ્તારમાં મુસાફરો ભરેલી બસ કેનાલમાં ખાબકી હતી. બસમાં 54 જેટલા મુસાફરો સવાર હોવાનું જાણવા મળે છે. અત્યાર સુધીમાં ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. જ્યારે સાત લોકો દુર્ઘટના બાદ તરીને બહાર નીકળી ગયા હતા. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સ્થાનિક કલેકટરનો સંપર્ક કરીને ઘટનાની માહિતી મેળવી હતી. આ બનાવમાં 42 વ્યક્તિઓના મોત થયા હોવાની આશંકા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રામપુર નૈકિન વિસ્તારમાંથી મુસાફરો ભરેલી બસ પસાર થતી હતી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ કેનાલમાં ખાબકી હતી. કેનાલ એટલી ઉંડી છે કે, બસ સંપૂર્ણ રીતે ડુબી ગઈ છે. જેને ક્રેનની મદદથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ દૂર્ઘટના બાદ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કલેકટર સાથે વાતચીત ઘટનાની જાણકારી મેળવી હતી.
આ દૂર્ઘટના રીવા-સિધી બોર્ડર નજીક છુહિયાઘાટી પાસે બન્યો હોવાનું જાણવા મળે છે. તેમજ બાણસાગર પરિયોજનાની કેનાલમાં બસ ખાબકી હોવાનું જાણવા મળે છે. એસડીઆરએફના જવાનો અને સ્થાનિક તરવૈયાઓ બસમાં સવાર લોકોને બચાવાની કામગીરી કરી રહ્યાં છે. મુસાફરો ભરેલી આ બસ સિધીથી સતના જઈ રહી હતી. અન્ય વાહનની સાઈડ લેવાના પ્રયાસમાં બસ કેનાલમાં ખાબકી હોવાનું ચર્ચાય રહ્યું છે.
આ બનાવની જાણ થતા સ્થાનિકો સ્થળ પર દોડી ગયા હતા અને બચાવ કામગીરી આરંભી હતી. આ દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રીએ બાણસાગર ડેમમાંથી કેનાલમાં પાણી નહીં છોડવા નિર્દેશ કર્યો છે. જેથી બચાવ કામગીરી ઝડપી કરી શકાય.