મહારાષ્ટ્રમાં 5 વર્ષમાં 3 મુખ્યમંત્રી બન્યાં, વિધાનસભાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની સાથે જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગત વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ શિવસેના અને ભાજપા વચ્ચે ગઠબંધન તુડતા શિવસેનાએ કોંગ્રેસ તથા એનસીપી સાથે મળીને સરકાર બનાવી હતી. જો કે, એનસીપી અને શિવસેનામાં પણ બે ભાગ પડી ગયા હતા. જે બાદ બંને રાજકીય પક્ષોના બળવાખોર નેતાઓએ ભાજપા સાથે મળીને સરકાર બનાવી હતી. આમ છેલ્લા પાંચ વર્ષમાં મહારાષ્ટ્રનું રાજકારણ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. પાંચ વર્ષના સમયગાળામાં મહારાષ્ટ્રમાં ત્રણ મુખ્યમંત્રી આવ્યાં છે. હાલ મહારાષ્ટ્રમાં ભાજપાની આગેવાની હેઠળની શિવસેના (એકનાથ શિંદે) તથા એનસીપી (અજીત પવાર)ના ગઠબંધનવાળી સરકાર છે. જ્યારે વિપક્ષમાં કોંગ્રેસની સાથે એનસીપી (શરદ પવાર) અને શિવસેના (ઉદ્ધવ ઠાકર) છે. જેથી આ વિધાનસભાની ચૂંટણી ખુબ મહત્વની રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
અત્યારે મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિ પાર્ટી સત્તા પર બિરાજમાન છે. મહારાષ્ટ્રમાં 14 મી વિધાનસભાનો કાર્યકાળ ખૂબ જ રસપ્રદ રહ્યો હતો કેમ કે આ પાંચ વર્ષના કાર્યકાળમાં 3 મુખ્યમંત્રી બદલાયેલ છે. જેમાં સૌથી પહેલા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હતા, જેઓ ફક્ત પાંચ દિવસ માટે જ મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા જ્યારે બીજા મુખ્યમંત્રીમાં ઉદ્ધવ ઠાકરે સત્તા પર બિરાજમાન હતા અને તેમનો કાર્યકાળ લગભગ 2 વર્ષ અને 214 દિવસનો રહ્યો તથા ત્રીજા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેનો કાર્યકાળ રહ્યો, જેમણે 2 વર્ષ અને 105 દિવસનો કાર્યકાળ રહ્યો છે આમ, 14 મી વિધાનસભાનો કાર્યકાળ ખૂબ જ ગુંચવણભર્યો રહ્યો છે.