Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં શિંદે સરકારે લીધો મહત્વનો નિર્ણય, ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપ્યું

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા એકનાથ શિંદે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે. મહાયુતિ સરકારે આ અંગે જાહેરાત કરી છે. સરકારે સોમવારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લીધો છે. ચૂંટણી પહેલા શિંદે સરકારનો આ મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. સરકારના નિર્ણયને હિન્દુ સંગઠનોએ આવકાર્યો છે.

સરકારના જણાવ્યા અનુસાર, વૈદિક કાળથી ભારતીય સંસ્કૃતિમાં દેશી ગાયના સ્થાનને ધ્યાનમાં રાખીને, માનવ આહારમાં દેશી ગાયના દૂધની ઉપયોગિતા, આયુર્વેદ ચિકિત્સા, પંચગવ્ય ઉપચાર પદ્ધતિ અને સજીવ ખેતી પ્રણાલીમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રના મહત્વને ધ્યાનમાં રાખીને આ દેશી ગાયને હવે “રાજ્યમાતા ગોમાતા” તરીકે જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ અંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, “દેશી ગાય અમારા ખેડૂતો માટે વરદાન છે, તેથી અમે તેને આ દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. અમે દેશી ગાયના પોષણ અને ઘાસચારામાં મદદ કરવાનો નિર્ણય લીધો છે.”

સનાતન ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે. તેમજ સમાનત ધર્મમાં ગાયની પૂજા કરવામાં આવે છે. હિંદુ માન્યતાઓ અનુસાર ગાયોમાં દેવી-દેવતાઓનો વાસ હોય છે. છેલ્લા કેટલાક સમયથી અનેક હિન્દુ સંગઠનો દ્વારા ગાયને રાજ્યની માતાનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી રહી છે. હવે સરકારે તેમના મંતવ્યો સાથે સહમત થઈને મહારાષ્ટ્રમાં ગાયને રાજ્યની માતાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે.