Site icon Revoi.in

સુરતના મહિધરપુરામાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી માટે રોડ બંધ કરાતા સ્થાનિકોએ કર્યો વિરોધ

Social Share

સુરતઃ શહેરના મહિધરપુરા વિસ્તારમાં  મેટ્રો પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીને લીધે  મહિધરપુરા પોસ્ટ ઓફિસથી ટાવર સુધીનો રાજમાર્ગ બંધ કરી દેવાતા સ્થાનિકો, વાહન ચાલકો, રાહદારીઓ સહિત દુકાનદારો પણ અટવાતા ભારે તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. ટ્રાફિક સંચાલન કરવા માટે પોલીસની ડ્યુટી પર વધી ગઈ છે.

સુરતમાં મહિધરપુરા એ ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે.  આ વિસ્તારમાં મેટ્રો પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. એટલે શનિવારથી મહિધરપુરા પોસ્ટ ઓફિસથી ટાવર સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. અને ડાયવર્ઝન આપીને દિલ્હીગેટથી મોતી ટોકિઝ થઈને ઝાંપા બજાર વાયા ટાવરનો રસ્તો રાહદારીઓને ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે. જ્યારે ભાગળ ચાર રસ્તાથી સ્ટેશન તરફ જતાં વાહન ચાલકોને રૂવાલા ટેકરાથી ગલેમંડી ચાર રસ્તા થઈ દિલ્હી ગેટના રસ્તાનો ઉપયોગ કરવાની સુચના આપવામાં આવી છે. આ ડાયવર્ઝનના કારણે મુખ્ય રોડ તથા આ વિસ્તારમાં આવેલી સાંકડી ગલીઓમાં વાહનોની અવરજવર વધતા ઠેર-ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ વિસ્તારમાં ટ્રાફિક જામ વારંવાર સર્જાતો હોવાથી સવારથી જ રાજમાર્ગ પર ટ્રાફિક સંચાલન કરવા માટે ટીઆરબીના જવાનો સહિત ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક કંટ્રોલ કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ  સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. રાજમાર્ગના રસ્તાઓ બંધ કરી દેવાતા દુકાનદારોની ચિંતા વધી ગઈ છે. હાલમાં લગ્નસરાની સિઝન શરૂ થઈ ગઇ છે. અને ઘરાકી પણ વધી રહી છે ત્યારે રસ્તાઓ બંધ થવાની સાથે ટ્રાફિક જામ થવાની અસર ઘરાકી પર પડવાની ચિંતા છે.સાથે જ ગ્રાહકોના વાહનો પાર્ક કરવાની ચિંતા પણ દુકાનદારોને સતાવી રહી છે.