ભાવનગરઃ જિલ્લાના મહુવા વિસ્તારમાં લાલ અને સફેદ ડુંગળીનું મોટા પ્રમાણમાં ખેત ઉત્પાદન થાય છે. ખાસ કરીને સફેદ ડુગળીમાંથી ડિહાઈડ્રેશન બનાવવાના અનેક કારખાના મહુવા પંથકમાં આવેલા છે. સફેદ ડુંગળી ઉપરાંત લસણમાંથી પણ ડિહાઈડ્રેશન બનાવવાનમાં આવે છે. ડુંગળીના ડિહાઇડ્રેશનની સિઝન પૂરી થયાંને મહિનો પસાર થઇ ગયો છે પણ હવે લસણના ભાવ તળિયે જતા કારખાનાઓમાં લસણનું પ્રોસેસીંગ પુરજોશમાં ચાલી રહ્યું છે. મહુવા પંથકમાં 115 જેટલા ડિહાઇડ્રેશન પ્લાન્ટો છે અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા બીજા 10-12 એકમો છે. પ્રવર્તમાન સમયે 15 જેટલા કારખાનાઓમાં લસણથી ડિહાઈડ્રેશન બનાવવાના કારખાના ધમધમી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ડિહાઇડ્રેશનબર લસણનો ભાવ એક મણે રૂા. 100-150 જેટલો થઇ ગયો છે. પરિણામે અત્યારે ઉત્પાદકોને બનાવવામાં પોસાણ અને નફો પણ સારો એવો થઈ રહ્યો છે. લસણના ડિહાઇડ્રેશનનો ભાવ એક કિલોએ રૂા. 50 જેટલો ચાલે છે. ચોમાસાની સિઝનમાં ભેજને લીધે ડિહાઇડ્રેશનનું ઉત્પાદન મોંઘું પડતું હોય છે એટલે નિકાસના વેપાર હોય કે માગ રહેતી હોય એવા યુનિટો દ્વારા જ કારખાના ચલાવવામાં આવે છે. મહુવા વિસ્તારના ડિહાઈડ્રેશનના કારખાનેદારોના કહેવા મુજબ લસણના ડિહાઇડ્રેશનનું ઉત્પાદન અત્યાર સુધીમાં 35 હજાર ટન આસપાસ થયું હોવાનો અંદાજ છે. લસણનો પુરવઠો સહેલાઇથી પ્રાપ્ત થઇ રહ્યો છે એટલે દિવાળી સુધીમાં વધુ 30-35 હજાર ટન બને તેવી શક્યતા છે. આમ 65-70 હજાર ટનનું ઉત્પાદન સમગ્ર સીઝન દરમિયાન થાય એમ છે. બીજી તરફ ડુંગળી ડિહાઇડ્રેશનનું અત્યાર સુધીમાં કુલ 60 હજાર ટન જેટલું ઉત્પાદન થયાનો અંદાજ છે. એમાંથી આશરે 30 હજાર ટનની નિકાસ થઇ ચૂકી છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં સીઝન પૂરી થાય ત્યાં સુધીમાં ડિહાઇડ્રેશનનો મોટાંભાગનો સ્ટોક ક્લિયર થઇ જશે તેવું માનવામાં આવે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ડુંગળી અને લસણના ડિહાઇડ્રેશમાં વિદેશમાં સારીએવી માગ છે. જોકે રશિયા અને યુક્રેનમાં પેમેન્ટ ફસાઇ જશે એવા ડરથી એડવાન્સ પેમેન્ટ સિવાય કોઇ સોદા કરવાના મૂડમાં નથી. યુરોપ અને અમેરિકા તરફ નિકાસ સારી છે. સફેદ ડુંગળીની આવક મહુવામાં બેથી ત્રણ હજાર ગુણીની થાય છે. યાર્ડમાં બદલાના માલ આવે છે તેનો ભાવ રૂા. 125-185 રહ્યો હતો. લાલ ડુંગળીની આવક 4-5 હજાર ગુણીની રહે છે તેનો ભાવ રૂા.’ 66-275 ચાલે છે.