ઇમ્ફાલ: મણિપુરના મોરેહ જિલ્લામાં એક ટોળાએ ઓછામાં ઓછા 30 ઘરો અને દુકાનોને આગ લગાડી અને સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. આ ખાલી મકાનો મ્યાનમાર બોર્ડર પાસે મોરેહ બજાર વિસ્તારમાં હતા. આગજની બાદ ભીડ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કેઆ આગજની કાંગપોકપી જિલ્લામાં ટોળા દ્વારા સુરક્ષા દળોની બે બસોને સળગાવવામાં આવ્યાની ઘટના એક દિવસ બાદ થઇ. મંગળવારે સાંજે દીમાપુરથી બસ આવી રહી હતી ત્યારે સપોરમિના ખાતે આ ઘટના બની હતી. આ સમયગાળા દરમિયાન કોઈ જાનહાનિના અહેવાલ નથી.
અધિકારીઓએ જણાવ્યું કે સ્થાનિક લોકોએ સપોરમિના ખાતે મણિપુર રજીસ્ટ્રેશન નંબરવાળી બસને રોકી અને કહ્યું કે તેઓ તપાસ કરશે કે બસમાં અન્ય સમુદાયનો કોઈ સભ્ય છે કે કેમ. અધિકારીઓએ જણાવ્યું કે તેમાંથી કેટલાકે બસોને આગ ચાંપી દીધી હતી.
આ દરમિયાન મુખ્યમંત્રી એન બિરેન સિંહે જણાવ્યું હતું કે ઇમ્ફાલના સજીવા અને થોબલ જિલ્લામાં યાથીબી લોકોલ ખાતે અસ્થાયી મકાનોનું બાંધકામ પૂર્ણતાના આરે છે. સિંહે એક ટ્વિટમાં કહ્યું, “ખૂબ જ ટૂંક સમયમાં પીડિતોના પરિવારો રાહત શિબિરોમાંથી આ ઘરોમાં જઈ શકશે. રાજ્ય સરકાર તાજેતરની હિંસાથી પ્રભાવિત લોકોના પુનર્વસન માટે પહાડીઓ અને ખીણ બંનેમાં તમામ સંભવિત પગલાં લઈ રહી છે.
મેઇતી સમુદાય રાજ્યમાં લગભગ 53 ટકા વસ્તી ધરાવે છે અને તેઓ મુખ્યત્વે ઇમ્ફાલ ખીણમાં રહે છે. તે જ સમયે, કુકી જેવા આદિવાસી સમુદાયો 40 ટકા વસ્તી ધરાવે છે અને મોટાભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.