યુરોપ અને અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ
નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યાં છે દરમિયાન હાલ ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પરિણામે અનેક સ્થળે પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. દરમિયાન યુરોપ, અમેરિકા અને એશિયા સહિત વિશ્વના મોટા ભાગમાં ગરમીનો પ્રકોપ છવાયો છે. ઈટાલીમાં આજે તાપમાન તેનો રેકોર્ડ બનાવી શકે છે. સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ હવામાન સંગઠને આગાહી કરી છે કે આ ગરમીને કારણે સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. ઈટાલીમાં સાર્ડિનિયા દ્વીપમાં તાપમાન 47 ડિગ્રીથી વધારે રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઈટાલીમાં ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
કેલિફોર્નિયાના ડેથવેલીમાં તાપમાન 53 ડિગ્રી અને ચીનના ઉત્તર- પશ્ચિમમાં 52 ડિગ્રીથી વધારે પહોંતી ગયું છે. આ સિવાય ગ્રીસથી લઈને સ્વિત્ઝર્લેન્ડના એસ્પાઈન ક્ષેત્ર અર્થાત સ્વિસ એલ્પ્સ સુધી જંગલોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. તો બીજી બાજુ દક્ષિણ કોરિયામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ હવામાન સંગઠને લોકોને ગરમી સામે લડવા તૈયાર રહેવાની સૂચના આપી છે. સંગઠને જણાવ્યું કે, આગામી દિવસોમાં ઉત્તર ભાગમાં લૂની સ્થિતિ ઉદભવી શકે છે. ઉત્તર અમેરિકા, એશિયા અને ઉત્તર આફ્રિકામાં તાપમાન આ અઠવાડિયે 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે હોઈ શકે છે. આજે મોડી રાત સુધી ન્યૂનત્તમ તાપમાનમાં વૃદ્ધિની આશંકા છે જેને કારણે હૃદય રોગના હુમલાના કેસ વધી શકે છે. ગરમીને પગલે લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે.