Site icon Revoi.in

મહેસાણા જિલ્લામાં રાયડાના પાકમાં મોલોસલી અને એરંડામાં સુકારાના રોગથી ખેડુતો ચિંતિત

Social Share

મહેસાણાઃ જિલ્લામાં આ વખતે રાયડા અને એરંડાના પાકનું સારૂએવું વાવેતર થયુ છે. સાનુકૂળ વાતાવરણને કારણે ખેડુતોને સારૂએવું ઉત્પાદન મળવાની આશા જાગી હતી ત્યાં જ  એરંડાના પાકમાં સુકારાનો રોગ તેમજ રાયડાના પાકમાં મોલોમશી નામનો રોગ આવતાં  ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

મહેસાણા જિલ્લો પશુપાલન તેમજ ખેતી પર નિર્ભર છે. જિલ્લાના  ખેડૂતો  બટાટા, કપાસ, તમાકુ, એરંડા, જીરું, રાયડા સહિતના વિવિધ પાકોની ખેતી કરે છે.  બહુચરાજી સહિત તાલુકાઓમાં ચાલુ વર્ષે રાયડા તેમજ એરંડાનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું હતું.  જો કે, એરંડા અને રાયડાના પાકને હાલ રોગોએ ભરડો લીધો છે, આ કારણે એરંડા તેમજ રાયડાના પાકનું ઉત્પાદન ઘટી શકે છે. ઉત્પાદનમાં ઘટાડાની ભીતિ સેવાતા ખેડૂતો હાલ ચિંતામાં મૂકાયા છે. ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે. જો ઠંડી યોગ્ય પ્રમાણમાં પડે, તો જ રાયડા અને એરંડાનો પાકનું ઉત્પાદન વધારે થતું હોય છે. આ વખતે ઠંડીનું પ્રમાણ ઓછું હતું. જેના કારણે એરંડામાં સુકારો અને રાયડાના પાકમાં મોલોમશી નામનો રોગ આવ્યો છે.

આ વિસ્તારના ખેડુતોના કહેવા મુજબ એંરડા અને રાયડાની ખેતી પાછળ ખેડૂતોએ ખેડ, ખાતર, બિયારણ, જંતુનાશક દવા અને મજૂરી પાછળ મોટો ખર્ચ કર્યો છે, પરંતુ ચાલુ વર્ષે ઠંડીનું પ્રમાણમાં ખૂબ જ ઓછું રહેતાં રાયડાના પાકમાં મોલોમશીના રોગે ભરડો લેતાં રાયડાના ઉત્પાદન ઉપર માઠી અસર પડશે.  તેમજ એરંડામાં પણ સુકારાનો રોગ આવ્યો છે. એટલે બન્ને પાકના ઉત્પાદન પર અસર પડશે. ખેડૂતોના અંદાજ મુજબ, એક વીઘામાં સરેરાશ 5 મણથી વધારે ઉત્પાદન થઈ શકે તેમ નથી. આ ઉપરાંત, બજારમાં પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલમાં રાયડાનો ભાવ APMCમાં 900થી 1000 સુધીનો જોવા મળી રહ્યો છે.

એરંડામાં સૂકારાનો રોગ આવતા ઉત્પાદન પણ ઘટશે. ખેડૂતોને બમણો ફટકો પડી શકે તેમ છે. રાયડા અને એરંડામાં આવતા આ રોગના નિયંત્રણ વિશે માહિતી કૃષિ નિષ્ણાતે ખેડુતોને સલાહ આપી છે. એરંડામાં સુકારો હોય, ત્યારે તેના પાન સુકાઈ જઈ ડોડવાની દાંડી તરફ પ્રસરે છે જેથી ડોડવા ખરી પડે છે. આ રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ દવા 27 ગ્રામ 10 લીટર પાણીમાં મિશ્રણ કરીને તેનો છંટકાવ ક૨વો જોઈએ. જરૂર જણાય તો બીજો છંટકાવ 15 દિવસ પછી ક૨વો. રાયડાનાં વાવેતરમાં મોલોમશીનો ઉપદ્રવ જોવા મળે, તો શોષક પ્રકા૨ની દવા જેવી કે ડાયમીથોએટ-10 ML અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન 10 મી.લી. 10 લીટર પાણીમાં ઉમેરીને આ મિશ્રણ બનાવો અને મિશ્રણનો ઉપયોગ કરી છંટકાવ કરવો જોઈએ. જેથી રોગમાં નિયત્રંણ મેળવી શકાય છે.