અમદાવાદઃ નકલી પોલીસ દ્વારા જાહેર રોડ પર ઊભા રહીને વાહનચાલકોને દમ મારીને રૂપિયા ઉગરાવવાના બનાવો વધી રહ્યા છે. આવો જ એક બનાવ નરોડા વિસ્તારમાં બન્યો હતો. જોકે અસલી પોલીસે ખાખી વર્ધીના સ્વાંગમાં વાહનચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવતા નકલી પોલીસને ઝડપી લીધો હતો. નરોડા પોલીસે બાતમીના આધારે હંસપુરા બસ સ્ટેન્ડ પાસેથી નકલી પોલીસને પકડ્યો હતો .નરોડા પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નરોડા પોલીસને બાતમી મળી હતી કે, હંસપુરા બસ સ્ટેન્ડ પાસે એક્ટિવા લઈને પોલીસ યુનિફોર્મમાં એક યુવક વાહનચાલકો પાસેથી પૈસા ઉઘરાવી રહ્યો છે. જેના આધારે નરોડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ત્યાં પહોંચી ગયા હતા. પોલીસે તેને પકડી તેનું નામ પૂછતાં મિહિર મોદી હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસ દ્વારા યુવકને કયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેમ પૂછતાં પોતે પોલીસમાં નથી અને પોતાને શોખ હોવાથી પોલીસ યુનિફોર્મ પહેરી ફરતો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધીને એક મોબાઈલ, એક્ટિવા, નેમ પ્લેટ, પોલીસ યુનિફોર્મ સહિતની વસ્તુઓ કબ્જે કરી હતી.