અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રી પર્વનું અનોખુ મહાત્મય છે. નવરાત્રી પર્વને હવે એક પખવાડિયાનો સમય બાકી રહ્યો છે. જોકે આ વર્ષે જાહેર સમારોહ અને કાર્યક્રમોમાં 400 લોકોને એકત્ર થવાની મંજુરી હોવાથી પાર્ટી પ્લાટ્સ કે કલબોમાં ગરબા યોજાશે નહીં. અમદાવાદમાં પાર્ટી પ્લોટ – ક્લબના સંચાલકોએ રાસ ગરબા નહીં યોજવાનો નિર્ણય લીધો છે. જેના કારણે ચાલુ વર્ષે ફરી વખત શેરી ગરબાની રમઝટ જામશે. સોસાયટીઓમાં રાસ ગરબા યોજવા માટેની મિટિંગોનો દોર પણ શરૂ થઇ ગયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં કર્ણાવતી, રાજપથ અને વાયએમસીએ ક્લબ તેમજ જુદા જુદા વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ મળીને દર વર્ષે 67 જગ્યાએ રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. ગયા વર્ષે કોરોનાના કારણે રાજય સરકારે નવરાત્રીમાં માત્ર આરતી માટેની જ મંજૂરી આપી હતી. જ્યારે ચાલુ વર્ષે ગરબા માટેની મંજૂરી આપી છે, પરંતુ તે 400 માણસો પૂરતી મર્યાદિત જ છે. તે સાથે હાલમાં પણ અમદાવાદમાં રાતે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલ પણ ચાલુ જ છે. જેના કારણે પાર્ટી પ્લોટ – ક્લબના સંચાલકોએ રાસ ગરબા નહીં યોજવાનો નિર્ણય લીધો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, જે પણ સોસાયટીના સભ્યોએ તેમની સોસાયટીમાં રાસ – ગરબા યોજવા હશે. તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી ગરબા અને લાઉડ સ્પીકર માટેની મંજૂરી લેવી પડશે. જો કે તે માટે પોલીસ સ્ટેશનમાં જઈને એક અરજી આપીને માત્ર ફોર્મ ભરવું પડશે. કોરોના પહેલાં પાર્ટી પ્લોટ અને ક્લબોમાં યોજાતા ગરબા માટે પાસ સિસ્ટમ પણ હતી. ગરબારસિકો સતત 9 દિવસના પાસ લઈ લેતા હતા. આ ઉપરાંત આયોજકોને જાહેરખબર સ્વરૂપે આવક થતી હતી. હાલમાં અમદાવાદમાં રાતે 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ છે. જો કે જન્માષ્ટમીની રાતે સરકારે 1 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂમાં મુક્તિ આપી હતી. તેવી જ રીતે નવરાત્રીમાં પણ સોસાયટીઓમાં ગરબા થવાના હોવાથી સરકાર નવરાત્રી દરમિયાન પણ રાતે 1 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂમાં મુકિત આપવા વિચારી રહી છે.
(file photo)