Site icon Revoi.in

નવસારીમાં 10મી જૂને PM મોદીના હસ્તે રૂ. 3054 કરોડના વિકાસ કામો-યોજનાનું લોકાર્પણ-ખાતમૂહૂર્ત કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતના આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસની નેમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આગામી તા. 10 જૂને નવસારીના ખૂડવેલ ખાતે રૂા. 3054 કરોડના ખર્ચે આદિજાતિ વિસ્તારમાં વિવિધ વિકાસ કામો અંતર્ગત 7 યોજનાઓના લોકાર્પણ, 12 યોજનાઓના ખાતમુહૂર્ત અને 14 યોજનાઓનું ભૂમિપૂજન કરવામાં આવશે.

આદિજાતિ વિસ્તારના નાગરિકો પીવાના પાણી માટે માનવબળના ઉપયોગથી પાતાળમાંથી પાણી સિંચતા આવ્યા છે પરંતુ તેમની પીવાના પાણીની કાયમી સમસ્યા દૂર કરવાના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના 174 ગામોના 1028 ફળિયાઓના આશરે 8.13 લાખ નાગરિકોને પીવાનું પાણી મળી રહે તે માટે બલ્ક પાઇપ લાઇન, શુદ્ધિકરણ પ્લાન્ટ, પંપીંગ સ્ટેશન અને આનુષાંગિક કામો વાળી પાણી પુરવઠા ઈજનેરી કૌશલ્યની અજાયબી એવી મધુબન ડેમ આધારિત રૂા.586.16 કરોડની અસ્ટોલ જૂથ યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે.

‘જલ જીવન મિશન’ના ભાગરૂપે આદિવાસી વિસ્તાર સહિત ગુજરાતના 95 ટકાથી વધારે ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે. આ વિસ્તારમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે રૂા.163 કરોડની નલ સે જલ યોજનાઓનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થનાર છે. જેના થકી દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના ગામોના 16.51 લાખ નાગરિકોને ઘર આંગણે શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે.

તાપી જિલ્લાના 2.77 લાખ નાગરિકોને વીજળી પૂરી પાડવા રૂા. 85.5 કરોડના ખર્ચે તૈયાર થયેલ વીરપુર વ્યારા સબસ્ટેશનનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ સિવાય વલસાડ જિલ્લાના વાપી શહેર ખાતે ગંદા પાણીના શુદ્ધિકરણ માટે રૂા.20.20 કરોડનો 14 એમએલડી ક્ષમતા ધરાવતો સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરાશે. આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી વાપી શહેરના અંદાજે 1.80 લાખ નાગરિકોને શુદ્ધ પાણીનો લાભ મળશે. સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના 11.29 લાખ આદિજાતી નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રૂા. 549.26 કરોડની 8 પાણી પુરવઠા યોજનાનું પણ ખાતમુહૂર્ત કરશે.

દક્ષિણ ગુજરાતના આદિવાસી બાંધવો માટે શ્રેણીબદ્ધ વિકાસ કામોની વણઝારના ભાગરૂપે નવસારી જિલ્લામાં રૂા. 33 કરોડના ખર્ચે તૈયાર થનાર ખેરગામથી પીપલખેડ સુધીના પહોળા રસ્તાની સુવિધાનો લાભ 3.75 લાખની આદિવાસી વસતી તેમજ રૂા. 27 કરોડના ખર્ચે તૈયાર થનાર નવસારીથી બારડોલી વાયા સુપા ખાતે ફોર લેન રસ્તાનો લાભ 4 લાખ વસતીને મળશે. તમામને ઘરઆંગણે ઝડપી-સસ્તી સારવાર મળી રહે તેવા હેતુથી નવસારી જિલ્લામાં રૂા. 542.50 કરોડના ખર્ચે ટીચીંગ હોસ્પિટલ સાથે મેડિકલ કોલેજનું ભૂમિપૂજન કરવામાં આવશે. જેનો લાભ નવસારી જિલ્લાનાં 10 લાખ નાગરિકોને મળશે. આ ઉપરાંત તાપી, નવસારી અને સુરત જિલ્લાના આદિજાતિ બાંધવો માટે રૂા. 961.40 કરોડની 13 પાણી પુરવઠા યોજનાનું પણ વડાપ્રધાન સહિત મહાનુભાવોના હસ્તે ભૂમિપૂજન થશે જેનો આ જિલ્લાના 14.48 લાખ લોકોને લાભ મળશે.