નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ગરમીથી પ્રજા બેહાલ થઈ ગઈ છે અને હજી પણ અહીં રાહતના કોઈ અણસાર નથી. બિહારના બકસરમાં દેશનું સૌથી વધુ તાપમાન 47. 2 ડિગ્રી જેટલું નોંધાયું હતું. તો પંજાબના ભટીંડામાં પણ 47 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો ઝારખંડ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્લીમાં પણ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું હતું કે 18 જૂનથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. જેના પરિણામે ઉત્તર ભારતને થોડી રાહત મળી શકે છે.
દરમિયાન હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ અને બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં પણ નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે સાંજે રાજકોટ અને ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટ જિલ્લાના લોધિકાના અમર ઈટારા, હરીપર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે ડાંગ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. સાપુતારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટુ પડ્યું હતું. તો, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના 15 તાલુકામાં સામાન્ય એક ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે.