નવી દિલ્હીઃ ઓડિશામાં એક સરકારી અધિકારીના ઘરે દરોડા પાડીને વિજિલન્સ વિંગે 3 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હોવાનું જાણવા મળે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોલીસની વિજિલન્સ વિંગે ઓડિશા એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (OAS) અધિકારી પ્રશાંત કુમાર રાઉતના ભુવનેશ્વર, નબરંગપુર અને અન્ય સ્થળોએ આવેલા ઘર પર દરોડા પાડ્યા હતા. રાઉત નબરંગપુર જિલ્લામાં એડિશનલ ડેપ્યુટી કલેક્ટર તરીકે પોસ્ટેડ છે.
અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે વિજિલન્સ બ્રાન્ચની ટીમ ભુવનેશ્વરમાં રાઉતના કાનન વિહાર નિવાસસ્થાને પહોંચી ત્યારે તેની પત્નીએ પડોશીના ટેરેસ પર રોકડથી ભરેલા છ કાર્ટૂન ફેંકી દીધા હતા. વિજિલન્સ ટીમે આ કાર્ટૂનને પડોશીના ઘરમાંથી રિકવર કર્યા અને અનેક મશીનોની મદદથી તેમાં રાખેલી રોકડની ગણતરી કરી. નબરંગપુરમાં રાઉતના ઘરેથી 89.5 લાખ રૂપિયા રોકડા અને સોનાના ઘરેણા પણ મળી આવ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સરકારી અધિકારી પાસેથી રોકડની આ બીજી સૌથી મોટી જપ્તી છે. અગાઉ, એપ્રિલ 2022 માં, ગંજમ જિલ્લામાં લઘુ સિંચાઈ વિભાગમાં સહાયક ઈજનેર તરીકે નિયુક્ત કાર્તિકેશ્વર રાઉલના પરિસરમાં દરોડા પાડીને રૂ. 3.41 કરોડ રિકવર કરવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે પ્રશાંત રાઉત વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. વિભાગની નવ જેટલી ટીમો દરોડાની કામગીરીમાં જોડાઈ હતી. અહેવાલો અનુસાર, રાઉતની 2018 માં પંચાયતના એક્ઝિક્યુટિવ ઓફિસર પાસેથી એક લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે સુંદરગઢ જિલ્લામાં BDO તરીકે ફરજ બજાવતો હતો.