દક્ષિણ ગુજરાતના નવસારીમાં એક અઠવાડિયામાં 5 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયાં
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા દિવાળી બાદ ધો-1થી 12ના વર્ગો ઓફલાઈન શરૂ કરવામાં આવ્યાં છે. તમામ સ્કૂલોમાં કોરોના ગાઈડલાઈન અનુસાર ઓફલાઈન વર્ગો શરૂ કરાયાં છે ત્યારે બીજી તરફ હવે વિદ્યાર્થીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાંનું સામે આવ્યું છે. દક્ષિમ ગુજરાતના નવસારીમાં એક અઠવાડિયામાં પાંચ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ વાલીઓએ સ્કૂલોમાં ફરીથી ઓનલાઈન વર્ગો શરૂ કરવાની માંગણી કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી જિલ્લાની મલીયાધાર અને વાંકલ શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેથી આ બંને વિદ્યાર્થીની સારવાર પણ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા આ વિદ્યાર્થીનીઓના સંપર્કમાં આવેલા તમામ વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવાની તજવીજ કરાઈ છે. આમ નવસારી જિલ્લામાં એક અઠવાડિયાના સમયમાં 5 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. તેથી હવે શિક્ષકો અને વાલીઓની ચિંતામાં પણ વધારો થયો છે. હાલ રાજ્યમાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. બીજી તરફ ઓમિક્રોનના કેસ દેશમાં સામે આવી રહ્યાં હોવાથી વાલીઓમાં ચિંતા ફેલાઈ છે.
આ ઉપરાંત સુરતમાં પણ બે શાળાના કેટલાક વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળી આવતા બંધ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સુરતની એક શાળાને ક્લસ્ટર જાહેર કરવામાં આવી છે. એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા શાળાને બંધ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાએ શાળાને 7 દિવસ બંધ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
(PHOTO-FILE)