Site icon Revoi.in

પાકિસ્તાનમાં હવે સરકારી અધિકારી-કર્મચારીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે

Social Share

નવી દિલ્હીઃ આર્થિક રીતે મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં સરકારના કેટલાક નિર્ણયોને પગલે પ્રજામાં રોષ ફેલાયો છે. દરમિયાન પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે સરકારી કર્મચારીઓને લઈને એક આદેશ જાહેર કર્યો છે, જેમાં પરવાનગી વિના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમને કોઈપણ પ્રકારની સોશિયલ મીડિયા સાઈટનો ઉપયોગ કરવા માટે સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે. એટલું જ નહીં સરકારના નિર્ણયનું પાલન નહીં કરનાર અધિકારી-કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

સરકારી કર્મચારીઓ માટેના પાકિસ્તાન એસ્ટાબ્લિશમેન્ટ ડિવિઝન કાર્યાલયે એક મેમોરેન્ડમ જારી કરીને જણાવ્યું હતું કે, વર્તમાન નિયમો હેઠળ, કોઈપણ સરકારી કર્મચારીને સરકારની પરવાનગી વિના કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બોલવાની મંજૂરી નથી. સિવિલ સેવકોને કોઈપણ પ્રકારના દસ્તાવેજો અથવા માહિતી અનધિકૃત કર્મચારીઓ, નાગરિકો અથવા મીડિયા સાથે શેર કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મેમોરેન્ડમમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, સરકારી કર્મચારીઓને તેમના મંતવ્યો વ્યક્ત કરવા અથવા મીડિયા અથવા સોશિયલ મીડિયામાં તથ્યો જાહેર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, કારણ કે તેનાથી સરકારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી શકે છે. આ ઉપરાંત સરકારની નીતિઓ, નિર્ણયો અને દેશના સન્માન વિરુદ્ધ ટિપ્પણી કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા મેમોરેન્ડમ મુજબ, સરકારી કર્મચારીઓને આવા નિવેદનો કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં જે અન્ય દેશો સાથેના સંબંધોને અસર કરી શકે. પાકિસ્તાન સરકારની આ સૂચના તમામ સરકારી કર્મચારીઓ માટે જારી કરવામાં આવી છે. આનો ભંગ કરનાર કોઈપણ કર્મચારી સામે કડક કાર્યવાહી થઈ શકે છે.

પાકિસ્તાન સરકારે તમામ સરકારી એજન્સીઓને તેમના સોશિયલ મીડિયામાંથી કોઈપણ વાંધાજનક સામગ્રીને વહેલી તકે દૂર કરવાની સલાહ આપી છે. આ કામ માટે તમામ સંઘીય સચિવો, એડિશનલ સચિવો, વિભાગના વડાઓ અને મુખ્ય સચિવોને માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. મેમોરેન્ડમ પર એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેનો હેતુ સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નથી.