પાકિસ્તાનઃ મંત્રીઓ, સલાહકારો, સહાયકોને પગાર-અન્ય લાભો નહીં આપવામાં આવે
નવી દિલ્હીઃ આર્થિક રીતે કંગાલ થઈ રહેલુ પાકિસ્તાન પોતાની અર્થવ્યવસ્થાને બચાવવા માટે દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યાં છે. એટલું જ નહીં શરીફ સરકારે કેટલાક ખર્ચામાં કાપ મુકવાની સાથે પ્રજા ઉપર ટેક્સનો બોજો પણ લાદ્યો છે. હવે શરીફ સરકારે મંત્રી અને ઉચ્ચ અધિકારીઓને અપાતા લાભો ઉપર કાપ મુકવાનું પગલુ ઉઠાવ્યું છે. સરકારના કરકસરના પગલાંના ભાગરૂપે સંઘીય પ્રધાનો, સલાહકારો અને સહાયકોને પગાર અને અન્ય લાભો નહીં આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે.
ઈસ્લામાબાદમાં ફેડરલ કેબિનેટની બેઠક બાદ શહેબાઝ શરીફે કહ્યું કે હવે તમામ ફેડરલ મંત્રીઓએ પોતાના વીજળી, ગેસ અને પાણીના બિલો જાતે ભરવા પડશે. આ પગલું સરકાર દ્વારા ખર્ચ ઘટાડવા અને બજેટ ખાધ ઘટાડવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે. વધતી મોંઘવારી અને દેવા સહિત દેશના આર્થિક પડકારોનો સામનો કરવા માટે આ પગલાં જરૂરી છે.
તેમણે કહ્યું કે સરકાર આર્થિક સ્થિરતા પુનઃસ્થાપિત કરવા અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. મંત્રીઓના લાભ ઘટાડવાનો નિર્ણય પાકિસ્તાનના આર્થિક પડકારો વચ્ચે આવ્યો છે. પાકિસ્તાન આ દિવસોમાં ઊંચા મોંઘવારી દર અને વિશાળ બજેટ ખાધનો સામનો કરી રહ્યું છે. સરકારે પહેલાથી જ વિકાસના ખર્ચમાં ઘટાડો અને કર વધારવા સહિત અનેક કઠોરતાના પગલાં અમલમાં મૂક્યા છે.
જીવનજરુરી વસ્તુઓના ભાવમાં થઈ રહેલા વધારાને પગલે લોકોમાં સરકારની સામે રોષ ફેલાયો છે. બીજી તરફ ઈમરાન ખાન સહિતના વિપક્ષના નેતાઓ શરીફ સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહ્યાં છે.