Site icon Revoi.in

પાકિસ્તાનમાં ઇશનિંદાના આરોપીને પોલીસે જ જેલમાં ગોળી મારી દીધી

Social Share

નવી દિલ્હી: પાકિસ્તાનથી એક ભયાનક સમાચાર આવી રહ્યા છે. ઇશનિંદાના આરોપીને પોલીસે જ જેલમાં ગોળી મારી દીધી છે. આ ઘટના બાદ ફાયરિંગ કરનાર પોલીસ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. ક્વેટા પોલીસે આરોપીને ગોળી મારવાની ઘટના અંગે નિવેદન બહાર પાડ્યું છે. ક્વેટાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક મોહમ્મદ બલોચે જણાવ્યું હતું કે શૂટર એક પોલીસ અધિકારી હતો અને જેલમાં આરોપીને તેના સંબંધી તરીકે મળવા આવ્યો હતો. તેણે સામે આવતા જ ગોળી મારી દીધી.

ઇશનિંદાના આ આરોપીની પોલીસે આ સપ્તાહની શરૂઆતમાં ધરપકડ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટોળું એ વ્યક્તિની નિંદાના આરોપમાં માર મારવાની કોશિશ કરી રહ્યું હતું, જ્યારે પોલીસે સ્થળ પર પહોંચીને તેને બચાવી લીધો. શરૂઆતમાં પોલીસ આરોપીને ખરોટાબાડા પોલીસ સ્ટેશન લઈ ગઈ, ત્યારબાદ તેને ક્વેટા ખસેડવામાં આવ્યો. આ મામલો પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતનો છે.

ટોળું ઈશનિંદાના આરોપીને મારવા માંગતું હતુ
જણાવવામાં આવી રહ્યું છે કે ઇશનિંદાના આ આરોપીને પોલીસે વેસ્ટર્ન બાયપાસ વિસ્તારમાંથી કસ્ટડીમાં લીધો હતો. તે દરમિયાન તહરીક-એ-લબૈક અને અન્ય કટ્ટરપંથી પક્ષોના કાર્યકરોએ નિંદાના આરોપીઓ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું અને રસ્તા પર ટાયર સળગાવીને પોલીસનો રસ્તો રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નિંદાના આ આરોપી વિરુદ્ધ ઘણા વિસ્તારોમાં રેલીઓ પણ કાઢવામાં આવી હતી.

દેખાવકારોએ પોલીસ સ્ટેશન પર હેન્ડ ગ્રેનેડ ફેંક્યા હતા
કહેવામાં આવી રહ્યું છે કે વિરોધીઓએ ખારોટાબાદ પોલીસસ્ટેશન પર હેન્ડ ગ્રેનેડ પણ ફેંક્યા હતો, પણ તે બહાર વિસ્ફોટ થયો હતો. વધુ સુરક્ષા માટે આરોપીને ખારોટાબાદથી ક્વેટા લઈ જવામાં આવ્યો, પણ ત્યાં પણ તેનો જીવ બચી શક્યો નહીં. એએસપીએ કહ્યું કે નિંદાનો આરોપી પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરતો હતો, તેના ઘણા કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેના કારણે લોકો ગુસ્સે થયા હતા.